વડોદરા,તા. ૨૦ 

શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં વડોદરા અને ડભોઇમાં માત્ર ગણતરીના કલાકોમાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં ૨ સ્થળોએ ઝાડ પડતા ૬ વાહનો દબાયા હતા. આ ઉપરાંત શોર્ટ સર્કિટને કારણે આગના બનાવો પણ બન્યા હતા. શહેરમાં મોડી રાત્રે વરરેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા હતા. વડોદરામાં માત્ર અડધો કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડતા વાહન ચાલકો અટવાઇ ગયા હતા. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી યોગીદર્શન સોસાયટીમાં ઝાડ પડતા કાર દબાઇ હતી. આ ઉપરાંત વારસીયા વિસ્તારમાં સિદ્ધી ગર્વમેન્ટ સોસાયટીમાં ઝાડ પડતા ૫ બાઇક દબાયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. વાઘોડિયા રોડ કલા દર્શન ઇન્દ્રપ્રસ્થ સામેની સોસાયટીના ટેરેસ પર શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ટેબલો સળગી ગયા હતા. જ્યારે શહેરના તરસાલી ઝવેરનગરમાં આજે સવારે ઇલેક્ટ્રીક વાયરો સળગ્યા હતા. વાવાઝોડા અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયાં હતાં. ભારે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ મોટાં હોર્ડિંગ્સ પડી ગયાં હતાં. વૃક્ષો જમીન દોસ્ત થવાના મેસેજ ફાયરબ્રિગેડને મળવાનું શરૂ થતાં તંત્ર કામે લાગી ગયું હતું. વડોદરા શહેરમાં દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરિણામે, લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.

ખત્રીપોળમાં ૧૦૦ વર્ષ જૂનું મકાન ધરાશાયી

જ્યુબિલીબાગ પાછળ આવેલ ખત્રીપોળના નાકે એક ૧૦૦ વર્ષથી પણ જૂનું મકાન આવેલું હતું. ગઈકાલે વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે જર્જરિત હાલતમાનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ ઘટના અંગેનો કૉલ ફાયરબ્રિગેડને મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મકાનમાં કોઈ રહેતું ન હોવાથી સદ્‌નસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી. આ ઉપરાંત મકાનના નીચેના ભાગે આવેલી બે દુકાનો પૈકી એક દુકાન બચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કર્યા બાદ જી.ઈ.બી તેમજ પાલિકાની ર્નિભયતા શાખાને આ અંગે જાણ કરવામાં આવી હતી.