વડોદરા શહેરમાં આજે સવારથી ૪ કલાક થયેલા ધોધમાર વરસાદને પગલે મોસમનો ૧૦૦ ટકા વરસાદ થઈ ગયો છે. વડોદરા ઉપરાંત પાદરા તાલુકામાં ૧૨૯ ટકા વરસાદ અત્યાર સુધી થયો છે. ચાલુ વરસાદી મોસમમાં મેઘરાજાએ જૂન અને જુલાઈમાં મહેર કરી ન હતી પરંતુ શ્રાવણ મહિનામાં છૂટોછવાયો હળવાથી ભારે વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં બરાબર જમાવટ કરી છે. વડોદરા શહેરમાં શનિવારે રાત સુધી મોસમના સરેરાશ વરસાદની સામે ૯૪ ટકા વરસાદ થયો હતો. પરંતુ આજે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં મોસમના સરેરાશ ૧૦૩૫ મિ.મી. વરસાદની સામે ૧૦૯૯ મિ.મી. વરસાદ થતાં ૧૦૬ ટકા વરસાદ થઈ ગયો છે. વડોદરા ઉપરાંત પાદરા તાલુકામાં સરેરાશ ૭૨૮ મિ.મી. વરસાદ સામે ૯૪૧ મિ.મી. એટલે કે ૧૨૯ ટકા, જ્યારે સૌથી ઓછો ૫૦ ટકા વરસાદ ડેસર તાલુકામાં થયો છે. 

આજવાની સપાટી ૨૧૨.૮૦ ફૂટ વિશ્વામિત્રીમાં ૧૪ હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે સતત પાણીની આવક થતાં સવારે ૬ વાગે આજવાની સપાટી ૨૧૨.૮૦ ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી ૮ ફૂટ હતી જે રાત્રે ૮ વાગે વધીને આજવાની સપાટી ૨૧૨.૮૦ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૧૭ ફૂટે પહોંચી હતી. તા.૩૧મી ઓગસ્ટ સુધી ૨૧૨ ફૂટ જાળવી રાખવાની હોવાથી મોડી રાત્રે આજવામાંથી પાણી છોડાય તેવી શક્યતા છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ર૦ ફૂટથી ઉપર જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જાે કે, રાત્રે ૮ વાગ્યા સુધી પાણી છોડવા અંગે પાલિકાતંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ ૨૧૨ નું લેવલ જાળવવા અને પાણીની સતત આવક થઈ રહી હોવાથી મોડી રાત્રે આજવામાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.