વડોદારા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિપક્ષના સીધા આક્ષેપ મુજબ ગોઠવણ કરીને અને જમીની સત્યતાની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના સમગ્ર દેશમાં શ્રેષ્ઠ વોટર મેનેજમેન્ટનો એવોર્ડ અંકે કરવામાં આવ્યો હતો. હવે આજ પેટર્ન પર પાલિકાના શાસકો અને તંત્ર પોતાની નિષ્ફળ કામગીરીને છુપાવીને અત્યંત સફળ કામગીરી દર્શાવવાને માટે વધુ એક એવોર્ડનું રાજકારણ રમવાને માટે જોર કરી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરને વોટટ મેનેજમેન્ટના એવોર્ડ પછીથી ગાર્બેજ ફ્રીનું ફાઈવ સ્ટાર રેટિંગ મેળવવા ઉધામા મરાઈ રહયા છે. આને માટે કામગીરી હાથ ધર્યાનો દેખાવ યોજીને નક્કર કામગીરી કરાઈ રહી હોવાનું આભાસી ચિત્ર ઉપસાવવાને માટે પાલિકાના શાસકો અને તંત્ર તનતોડ જોર લગાવી રહયા છે. આમ કરીને ગંદકીના ઢગલાઓની સત્યતા છુપાવીને પાલિકા તંત્ર ગોઠવણથી વધુ એક એવોર્ડ મેળવાશે? એવા પ્રશ્નો શહેરના બુધ્ધજીવીઓમાં અને વિપક્ષમાં ચર્ચાઈ રહ્યો છે. શહેરને ગાર્બેજ ફરી દર્શાવવાને માટે પાલિકા દ્વારા શહેરના તમામ રહેણાક અને કોમર્શિયલ સ્થળોએથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. એમ દર્શાવીને ગાર્બેજને માટેનું ફાઈવ સ્ટાર રેટિંગ મેળવવાને માટેની ગોઠવણોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વડોદરા શહેરના તમામ ઝોનો હસ્તક આવેલ તમામે તમામ વોર્ડ કચેરીઓ પૈકી એકપણ કચેરીનો વિસ્તાર એવો નહિ હોય જ્યા ઠેર ઠેર કચરાના ઢગલાઓ, બેસુમાર ગંદકી અને રખડતા ઢોરો અને કુતરાઓ જોવા મળે નહિ. આ સ્થિતિને લઈને પાલિકા તંત્રની પોલ ખુલી ન જાય અને વર્તમાન શાસકો ગાયકવાડી શાસન કરતા પણ શ્રેષ્ઠ શાસકો છે. એવું પુરવાર કરવાને માટે શ્રેષ કામગીરીના રાષ્ટ્રીય એવોર્ડ હસગાત કરવાનો ખેલ ખેલી રહયા છે. રાજકીય આકાઓના છુપા આશીર્વાદને લઈને વાસ્તવિક સાચી સ્થિતિ પર ઢાંકપીછોડો કરીને ગાર્બેજ ફ્રીને માટેનું ફાઈવ સ્ટાર રેટિંગ મેળવવાને માટે ઉધામા મરાઈ રહયા છે.