વડોદરા, તા. ૨૩

દિલ્હી ખાતે પરાક્રમ દિવસ નિમિત્તે દેશભરના કલાકારોને તેમની કૃતિ અનુસાર એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારે શહેરના કોફી આર્ટીસ્ટ ઉદય કોરડેને ભારતીય રત્ન અને ડાॅ.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષે ૨૩મી જાન્યુઆરી નારોજ સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને દેશભરમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજંયતિ હોવાથી ઈન્ડીયન ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે ૨૨૦૦ જેટલા કલાકારોના નામ પસંદ કર્યા બાદ ૧૦૦ કલાકારોને વિવિધ શ્રેણી અનુસાર પંસદ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના રાવપૂરા ખાતે રહેતા કોફી આર્ટીસ્ટ ઉદય ઉલ્હાસ કોરડેને એવોર્ડ માટે પંસદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેઓને ડાॅ. એ . પી. જે. અબ્દુલ કલામ એવોર્ડ અને ભારતીય રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.