આણંદ : વર્તમાન સમયમાં માનવીય જીવન અનેક પ્રકારની સમસ્યાઓ, પડકારોની વચ્ચે પસાર થઈ રહ્યું છે, તેમાં મોટી મહામારીઓના સંક્રમણ આવી રહ્યાં છે ત્યારે આજના યુવાવર્ગ માટે શારીરિક ફિટનેસ ખૂબ મહત્વની બની જાય છે. જીવનમાં તરતાં આવડવું જોઈએ, વાહન ચલાવવું જોઈએ, ઘોડેસવારી કરવી આ બધું પણ ઉપયોગી અને મહત્વનું બની રહેતું હોય છે. તે મુજબ આણંદ પોલીસનો એક ર્નિણય પણ યુવા વર્ગ માટે ઉત્સાહ પ્રેરક બન્યો છે. 

આંણદ શહેરમાં ૩ વર્ષથી બંધ સરદાર પટેલ ઘોડેસવારી ક્લબ આણંદ પોલીસ દ્રારા વધુ એક વખત શહેરીજનો માટે શરૂ કરવામાં આવી છે. પોલીસ અને પ્રજા વચ્ચે સબંધ વધે તેને લઈને ગુજરાત રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અને તેઓની અશ્વ દળ ટીમ દ્વારા આણંદ જિલ્લાના યુવા વર્ગને ઘોડેસવારીની તાલીમ આપવાના ર્નિણયના પગલે યુવા વર્ગમાં ઉત્સાહ વધ્યો હતો. તાલીમ માટે અનેક યુવાનો જોડાયાં હતાં. આણંદ પોલીસ દ્વારા શહેરીજનોને ઘોડેસવારી શિખવાવા માટે હોર્સ રાઇડિંગની શરૂઆત કરવામાં આવી છે. હોર્સ પર સવારી કરવા માગતા રસિયાઓ માટે જિલ્લા પોલીસના અશ્વદળ વિભાગ દ્વારા શહેરીજનો માટે ખાસ હોર્સ ક્લબમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આંણદ શહેરના ૧૩ વર્ષથી લઇ ૬૦ વર્ષ સુધીના ઉત્સાહી લોકો પણ ઘોડે સવારી શીખવા માટે આવી રહ્યાં છે. આણંદ પોલીસ દ્વારા બે અલગ શિફ્ટમાં ખૂબ સારી રીતે ઘોડેસવારી શિખવવામાં આવે છે. હાલ ૪૫ જેટલાં યુવક-યુવતીઓ આ ધોડેસવારી શીખવા અને તાલીમ માટે રોજે રોજ આવી રહ્યાં છે. આણંદ પોલીસ દ્વારા ખૂબ ઓછી ફીમાં ઘોડેસવારીની તાલીમ કાળજીપૂર્વક રીતે આપવામાં આવી રહી છે. આ ઘોડેસવારીની તાલીમ લેતાં યુવક-યુવતીઓ અને અન્ય નાગરિકો ને ધોડાની સવારી બાદ અનોખો રોમાંચ અને ઉત્સાહ મેળવી રહ્યાં છે. સાથે સાથે શારીરિક ફિટનેસ મેળવી રહ્યાં છે .