અમદાવાદ, ઉત્તર-પૂર્વ તરફથી વાતા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં શિયાળાની જાેરદાર જમાવટ થઈ છે. હવામાન ખાતા દ્વારા આજે સવારે પ્રસિદ્ધ કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી નીચું ૨.૫ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે, જ્યારે ડીસામાં પારો ગગડીને ૯.૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. ભૂજમાં પણ ૧૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતું જણાવે છે કે, અમદાવાદમાં આગામી ગુરુવાર સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે. આ ગાળા દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેશે. જાેકે, પવનનું જાેર વધારે હોવાથી ઠંડીનો અહેસાસ પણ વધુ થશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે જે આગામી સાત દિવસ સુધી યથાવત રહેશે. અમરેલીમાં આજે સવારનું તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૯.૦૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોંધાયું છે. આગામી ગુરુવાર સુધી રાજકોટમાં રાત્રીનું તાપમાન ૧૦-૧૨ ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દિવસનું તાપમાન ૨૮થી ૩૦ ડિગ્રી જેટલું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ હાલ શિયાળાએ જમાવટ કરી છે. વલસાડમાં ગઈકાલનું દિવસનું તાપમાન ૨૭.૫ જ્યારે રાત્રીનું તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં આજ સવારનું તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી ગુરુવાર સુધી સુરતમાં દિવસનું તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ જ્યારે રાત્રીનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું રહી શકે છે. વડોદરામાં પણ વિતેલા ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું છે. શહેરમાં આગામી સાત દિવસ સુધી દિવસનું તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ, અને રાત્રીનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું રહે તેવી શક્યતા છે. સોમવાર સુધી વાતાવરણ થોડું વાદળછાયું રહેશે, પરંતુ આગામી મંગળવારથી ગુરુવાર સુધી આકાશ સ્વચ્છ રહેશે.