ભરૂચ

ભરૂચ સિવિલ હોસ્પિટલ જીલ્લાની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાં અહીંયા પોસ્ટમોર્ટમ રૂમમાં વર્ષો પહેલા મુકાયેલ કોલ્ડ સ્ટોરેજ આજે પણ બંધ હાલતમાં ધૂળ ખાય છે જેના કારણે અહીં લાશો રઝળતી જોવા મળે છે. શનિવારના રોજ બે થી ત્રણ બિનવારસી લાશો સહિત કેટલીક લાશો કોલ્ડ સ્ટોરેજના અભાવે રઝળતી જોવા મળી હતી.

ભરૂચમાં જીલ્લાની સૌથીમોટી સરકારી સિવિલ હોસ્પિટલ હોવા છતાં અહીં કોલ્ડ સ્ટોરેજ ખખડધજ અને બંધ હાલતમાં છે. વર્ષો પહેલાં કોલ્ડ સ્ટોરેજની સુવીધા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી હતી. પરંતુ વહિવટીય નિષ્ક્રિયતાઓના કારણે પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. બિનવારસી લાશો કે અન્ય સંજોગોમાં લાશોને સાચવવાનો પ્રશ્ન ઉભો થાય છે. ઘણી વખત કોલ્ડ સ્ટોરેજના અભાવે અનેક વખત લાશોને રઝળતી અને ગંધાતી જોવા મળે છે. શનિવારના રોજ બે બિનવારસી લાશો સહિત પાંચથી સાત મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આવ્યા હતા. જેમાંથી ત્રણ જેટલી લાશોને સાચવવી પડે તેવા સંજાેગો ઉભા થયા હતા. પરંતુ કોલ્ડ સ્ટોરેજના અભાવે આ લાશો પોસ્ટમોર્ટમ રૂમમાં રઝળતી હતી.

સરકારે ખાનગી સંસ્થાને માત્ર એક રૂપિયાના ટોકનથી સિવિલ હોસ્પિટલ અને તેનું સંકુલ આપી દીધું છે. હવે તેનો સંપૂર્ણ વહિવટ ખાનગી સંસ્થાએ હસ્તગત કર્યો છે. મેડીકલ કોલેજ શરૂ કરવાના ચક્રો પણ ગતિમાન થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગને પણ નવા ઓપ અપાયા છે. અન્ય સુવિધાઓ ઉભી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની ધરાર અવગણના થઈ રહી છે.