વડોદરા : ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી ફૂંકાતા બર્ફિલા પવનની સીધી અસર હેઠળ ગુજરાતમાં પણ ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં છેલ્લા કેટલાક દિવસથી કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. તેમાંય આજે ઉત્તર તરફથી ૧૨ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો ૯.૪ ડિગ્રી થતાં ચાલુ શિયાળામાં મોસમનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. તીવ્ર ઠંડીના સપાટાથી નગરજનો ઠૂંઠવાયા હતા.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હેઠળ વડોદરામાં પણ છેલ્લા અઢવાડિયાથી ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાતાં તેમજ લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરી એકવાર કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તેમાંય વહેલી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીના સપાટાની અસર શહેરના રાજમાર્ગો પર સ્પષ્ટ જાેવા મળી રહી છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ હજુ કેટલાક દિવસ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ફરી એકવાર ઠંંડા સપાટાને પગલે ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. જ્યારે બીજી તરફ કમાટીબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ઠંડીમાં રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૯.૦ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા જે સાંજે ૩૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૮ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૧૨ કિ.મી. નોંધાઈ હતી.