વડોદરા : શહેરમાં બેકાબૂ બનેલા કોરોના વાઈરસ પાછળ તંત્રની બેદરકારી અને આંકડા છૂપાવવાની મેલીમુરાદ જવાબદાર છે. એ માટે પોઝિટિવ દર્દીઓ અને કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો આપવાની માગ કરતું આવેદનપત્ર નાયબ મુખ્યમંત્રીને આપવા જતાં કોંગ્રેસના અગ્રણી અને કોર્પોરેટરની કાર્યકર્તાઓ સાથે પોલીસે અટકાયત કરી હતી. કોરોનાને કારણે વડોદરાની સ્થિતિ અત્યંત ભયવાહ બની હોવાની જાણકારીના પગલે વડોદરાના પ્રભારી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા દોડી આવ્યા હતા. કોંગ્રેસ અગ્રણી અને કોર્પોરેટરો એમને આવેદનપત્ર આપે એ પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલને આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા કોંગ્રેસ કાઉન્સિલર અમીબેન રાવત અને તેમના પતિ નરેન્દ્ર રાવતની પોલીસે તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરી દીધી હતી. શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના કેસોને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા દોડી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. વડોદરામાં કરોનાની સ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સર્કિટ હાઉસમાં બપોરે ૧૨ કલાકે શરૂ થયેલી બેઠકોનો દોર બે કલાક ઉપરાંત ચાલ્યો હતો.વડોદરામાં ચિંતાજનક કોરોનાના કેસો વધી રહ્યા છે, તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જાે કે તંત્ર દ્વારા કોરોનામાં થયેલો વધારો અને મૃત્યુ થઈ રહેલા વધારાને છૂપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમના કોંગ્રેસના કાઉન્સિલર પત્ની અમીબેન રાવત બે દિવસ પૂર્વે વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત જે સ્મશાનોમાં કોરોનાના કારણે અવસાન પામતા લોકોના અંતિમસંસ્કાર થાય છે તેવા સ્મશાનોની મુલાકાત લીધી હતી.કલાકો સુધી સ્મશાનોમાં રોકાયા બાદ એવો આક્ષેપ કર્યો હતો કે ૨૪ કલાકમાં ૨૮ લોકોના મૃત્યુ કોરોના કારણે થયા છે. કોરોનાના કેસો આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. સાચા આંકડા બતાવવામાં આવે તો લોકોમાં જાગૃતિ આવશે અને બિનજરૂરી ઘરની બહાર નીકળતાં અટકશે. તંત્ર દ્વારા કોરોનાના કેસોના સાચા આંકડા અને મરણ પામતા લોકોના સાચા આંકડા આપવામાં આવે તેવી માગણી કરી હતી. આજે કોરોનાના કેસોના પગલે દોડી આવેલા નીતિન પટેલને વડોદરામાં ફાટી નીકળેલા કોરોના અંગેની સાચી માહિતી આપવા માટે આવેદનપત્ર આપવા માટે જતાં

પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રાવત દંપતીની તેઓના નિવાસસ્થાનેથી અટકાયત કરી લીધી હતી.