અમદાવાદ-

તાઉ-તે વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આજે શરૂ કરવામાં આવશે. તાઉતે ચક્રવાતને કારણે બે દિવસ બંધ કરવામા આવેલ કોરોના વેક્સીન અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામા આવશે. 10 શહેરોમાં 18 થી 44 વર્ષના લોકો માટે 1 મેથી વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુરુવારથી ડોઝ આપવાની શરૂઆત કરાશે. તો સાથે જ રાજ્યમાં 45 થી વધુ વર્ષના લોકોને વેક્સીનેશન નો પહેલો ડોઝ આપવાની પણ શરૂઆત કરાશે.

અમદાવાદમાં આજે 76 અર્બન સેન્ટર અને મ્યુનિસિપલ સ્કૂલોમાં રસી મળશે, પરંતુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ રહેશે. અમદાવાદમાં શહેરમા નિર્ધારિત તમામ વેક્સીન સેન્ટરો પર પહેલાની જેમ વેક્સીન મળશે. મહાનગરપાલિકાના સ્વાસ્થય વિભાગ અનુસાર, ગુરુવારે શહેરના 76 અર્બન સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત ચાર હોસ્પિટલ-અસારવા સિવિલ હોસ્પિટલનુ ટ્રોમા સેન્ટર, સોલા સિવિલ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલ પર વેક્સીનેશન કરાશે. જોકે, આ કેન્દ્રો પર 45 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને જ વેક્સીન અપાશે. તો 18 થી 44 વર્ષના નાગરિકોને અન્ય વેક્સીન કેન્દ્રો પર રજિસ્ટ્રેશનના આધારે વેક્સી મળશે. સુરતમાં 3 દિવસ વેક્સીનેશન બંધ રહેતા આજે 40 હજાર ડોઝ ઉપલબ્ધ કરાયા છે. આજથી સુરતમાં વેક્સીનેશન શરૂ કરાશે. સુરતના દરેક સેન્ટર પર 18 થી 44 વર્ષના નાગરિકોને 100 ડોઝ અપાશે. તમામને કોવિન વેબસાઈટ પર એપોઇન્ટમેન્ટના માધ્યમથી જ વેક્સીન અપાશે.