વડોદરા તા.૧૭ 

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે દેશના ૭૪મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે શહેરના રેલ્વે પોલીસ પરેડ મેદાન ખાતે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. તેમણે તમામ ક્ષેત્રોમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી. મંત્રીશ્રીએ આરોગ્ય શાખા અને પોલીસ ફરજ બજાવતા અને પ્લાઝમા ડોનર સહિતના આમંત્રિત કોરોના વોરિયર્સનું બહુમાન કર્યુ હતુ.

મંત્રી તથા મહાનુભાવોએ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડાૅ.ઉદયકુમાર ટીલાવતને કોવીડ-૧૯ મહામારી દરમિયાન સતત અથાગ કામગીરી કરવા અને જિલ્લાની ટીમોને પ્રોત્સાહિત કરી કામગીરી કરી હતી. ઉપરાંત તેમના શીરે સમગ્ર જિલ્લાની આરોગ્યલક્ષી જવાબદારી આવતી હોય તેમના દ્વારા કોવીડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન જિલ્લાકક્ષાએ તમામ માહિતીનું સંકલન કરવા ઉપરાંત તે અનુસાર જરૂરી પગલાઓ લેવા જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરી બજાવવામાં આવી તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાંઢાસાલ મેડિકલ ઓફિસર ડાૅ. ગૌરાંગ પટેલે, કોવીડ-૧૯ અંતર્ગત એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે બાબરીયા કોવીડ કેર સેનટર ખાતે તથા કાશીબા હોસ્પિટલ સાવલીના કોવીડ કેર સેન્ટર ખાતે પ્રશંસનીય કામગીરી કરતા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલ ખાતે કોવીડ અંતર્ગત દર્દીઓની સારી કામગીરી કરનાર ડાૅ.તેજસ પટેલ, એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે એનેસ્થેસીઓલોજીસ્ટ ડાૅ. પીનલ બુમીયાને સન્માનિત કરવામાં આવી હતી.

ભાયલી વિસ્તારમાં કોવીડ સંબંધિત સારી કામગીરી કરવા બદલ મ.પ.હે.વ. વિશાલ હિંગુ, પાદરા અર્બનમાં કોવીડની સારી કામગીરી કરવા બદલ એફ.એચ.ડબલ્યુ સુશ્રી સોનલબેન રાઠવા, કોવીડ દર્દીઓની સારવાર માર્ચ-૨૦૨૦થી સતત કામગીરી કરી રહેલા સ્ટાફ નર્સ કમલેશ પંચાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણોદ ખાતે ફરજ બજાવતા આશા વર્કર સુમનબેન વસાવા તથા કોવીડ દર્દીઓના વોર્ડમાં સાફસફાઇની કામગીરી કરતા સ્વીપર નયન સોલંકી તથા સંતોષબેન અશોકભાઇ પરમારને સન્માનિત કરાયા હતા.