વડોદરા : વડોદરામાં સોલિડવેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તેની ક્ષમતા મુજબ છેલ્લા છ વર્ષથી કામ કરતો નથી, એનો અર્થ એ એ છે કે હાલમાં ૧૦૦ ટકા કચરો લેન્ડફીલ સાઈટમાં ઠલવાય છે. જેના કારણે લેન્ડફીલ્ડ સાઇટની ડિઝાઇન મુજબ તેની આવરદા પાંચ ગણી વધુ ઝડપી પૂર્ણ થઇ જશે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતાએ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, કોર્પોરેશન રોજ ૧૦૫૦ મેટ્રિક ટન કચરો એકત્રિત કરે છે. સ્વચ્છતા મિશનને સાત વર્ષ પૂરા થયા છે, પરંતુ વડોદરાની હાલત વધુ ખરાબ થઈ છે. વૈજ્ઞાનિકઢબે નવી લેન્ડફીલ સાઇટ ૨૦૧૮માં મંજૂર કરી પણ ત્રણ વર્ષ થવા છતાં હજુ શરૂ થઇ નથી. કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટનો પ્રોજેક્ટ શરૂ કર્યો નથી. કચરાની ગાડી સીધે-સીધી લેન્ડફીલ સાઇટ પર જાય છે. કચરાનો વૈજ્ઞાનિકઢબે કોઈ પ્રક્રિયા કરાતી નથી. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કચરાના વ્યવસ્થાપન અને ટ્રાન્સફર સ્ટેશનો છે, વડોદરામાં નથી. ટ્રાન્સફર સ્ટેશન વિસ્તારદીઠ હોવા જાેઈએ. આ ઉપરાંત શહેરને જાહેર શૌચમુક્ત માટે એવોર્ડ મળ્યો છે. લોકોને દંડ કરાયો છે, પરંતુ કોર્પોરેશન જાતે ગંદકી નદી-નાળાં અને કાંસમાં નાખે છે. ગટરના પાણીનું શુદ્ધિકરણ કરવાની જરૂર છે. સ્વચ્છતા માટે કોર્પોરેશન દ્વારા બજેટ ફાળવાય છે, પણ અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે.