અમદાવાદ-

અમદાવાદ શહેરમાં ઈલેકટ્રિક વાહનનો વપરાશ વધે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેકટ્રિક વાહન ચાર્જીંગ પોલીસી તૈયાર કરી છે.આ પોલીસી હેઠળ શહેરમાં ૩૦૦ જેટલા સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે.ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક રુપિયાના ટોકન ભાડાથી જગ્યા પણ ફાળવશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ,કેન્દ્ર અને રાજય સરકારે ઈલેકટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા જાહેર કરેલી નિતી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ પોલીસી-૨૦૨૧ તૈયાર કરવામાં આવી છે.આ પોલીસી હેઠળ આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ ૩૦૦ સ્થળોએ ઈલેકટ્રિક વાહનોના ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેના લોકેશન નકકી કરવામાં આવશે.ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મ્યુનિ.તરફથી એક રુપિયાના ટોકન ભાડાથી ચોરસ મીટરના ભાડુ નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે.આ સ્થળ ઉપર નિયત કરેલા ચાર્જર લગાવવાના રહેશે.