મેલબર્ન-

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે દેશે કોરોના વાયરસની વેક્સીન મેળવી લીધી છે. તેઓએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા તેનું નિર્માણ કરશે અને સમગ્ર દેશની વસ્તીને તે મફત આપવામાં આવશે. 

વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ સ્વીડિશ-બ્રિટીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને બનાવેલ દવા મેળવવા માટે એક સોદો કર્યો છે. તેઓએ કહ્યું છે કે જાે રસી સફળ થશે તો અમે તેને ઉત્સાહથી બનાવીશું,સપ્લાય કરીશું અને તેને અઢી કરોડ ઓસ્ટ્રેલિયન લોકો સુધી મફત પહોંચાડીશું.

ઓક્સફર્ડ દ્વારા હાલ રસીનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં ચાલી રહયું છે. રસીના શોધકર્તાઓને આશા છે કે આ વર્ષના અંત સુધી પરિણામો સામે આવી જશે. ચીનમાં તૈયાર કરાયેલ કોવિડ -૧૯ રસી આ વર્ષના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. ચીનના સરકારી મીડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં આવનારી આ રસીની કિંમત આશરે ૧૦ હજાર રૂપિયા (૧૦૦૦ યુઆન) કરતા વધારે થશે.