સુરત,

કોરોના વાયરસને લઈને દેશભરમાં અને પહેલીવાર સમાજના સહયોગથી કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરતંમાં બનાવામાં આવ્યું છે. જે દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા નથી તેવા દર્દી માટે દેશનું પહેલું કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર સુરતમાં કાર્યરત થયું છે. પાટીદાર સમાજે આંબા તલાવડી ખાતે આ સેન્ટર શરૂ કર્યું છે. બીજી તરફ પ્રજાપતિ સમાજનું સેન્ટર આવનાર દિવસોમાં શરૂ થઇ જશે. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ ખૂદ જણાવ્યું હતું કે સમાજના સહયોગથી આઇસોલેશન સેન્ટર શરૂ થયું હોય તેવી દેશની આ પ્રથમ ઘટના છે.

 ઘરે સારવાર લેવામાં કેટલીક મુશ્કેલી રહેલી છે. જેમ કે ઘરમાં વડીલ તથા બાળકો હોય તો તેમને ચેપ લાગવાનો ભય રહે છે. ઘરમાં એટેચ બાથરૂમ ન હોય કે પછી હોમ આઇસોલેશન માટે અલગ રૂમ ન હોય તો સારવાર મુશ્કેલ છે. બીજી તરફ માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો એક બેડ રોકાયેલો રહે છે. સાથે સાથે હૉસ્પિટસના માહોલને કારણે તેમના માનસ પર અવળી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરનો વિચાર આવ્યો હતો.