અમદાવાદ, શહેરમાં ચકચાર મચાવનાર આયશા આપઘાત કેશમાં પોલીસે આયશાના પતિની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આયશાના પતિના ત્રણ દિવસ માટેના રિમાન્ડ મજુર કર્યા હતા. બીજી બાજુ પુછપરછમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે, આયશા ગર્ભવતી હતી ત્યારે સાસરિયા અને પતિ તારા પેટમાં બીજાનું બાળક છે તેમ કહી ઝઘડો કરી ઢોર માર માર્યો હતો. જેથી તેને આંખના ભાગમાં ઈજા થતા તેણે રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. ત્યારબાદ તેને અમદાવાદ લાવવામાં આવી હતી. જ્યાં તેનો ગર્ભપાત પણ થયો હતો. ઘટનાની હકીકત એવી સામે આવી છે કે, વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયશાએ પતિ અને તેના સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફ મોયલાની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરીફને આજે મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો.  જ્યાં સરકારી વકીલ ડી.એમ. રાવલે રજૂઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વિડીયો વાઇરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે, વીડિયો વાઇરલ થયો તેમા છેડછાડ છે કે નહીં, આરોપી તપાસમાં સહકાર આપતો નથી, આરોપી સાથે અન્ય કોઇની સંડોવણી છે કે નહીં સહિતના મુદ્દાની તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની જરૂર છે. આવી બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

પોલીસ મોબાઈલ શોધવા રાજસ્થાન જશે

પોલીસ સુત્રોના અનુસાર આરીફનો ફોન ન મળ્યો હોવાથી પોલીસની એક ટિમ રાજસ્થાન મોબાઈલ શોધવા જશે. આરોપીએ ઘટના બાદ લોકોના ફોન અને મેસેજ આવતા તે કંટાળ્યો અને તેની બહેનના પાલી ખાતેના ઘરેથી કાર લઈને નીકળ્યો અને ફોન ફેંકી દીધું હોવાનું રટણ કરી રહ્યો છે. ત્યારે હવે ત્રણ દિવસની પૂછપરછ માં અનેક ખુલાસા સામે આવશે.