દિલ્હી

કોરોનાની રસીને લઈને દેશ માટે એક વધુ સારા સમાચાર આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)એ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બાળકો પર 'કોવોવેક્સ' રસીની ટ્રાયલ કરવા જઇ રહી છે. કંપની ટૂંક સમયમાં આ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)ની મંજૂરી માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ 18 જૂનથી શરૂ થઈ ગયુ છે. નોવાવેક્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીરમ સાથે પ્રોડક્શન ડીલની જાહેરાત કરી હતી.

આપને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની આ બીજી કોરોના રસી છે. આ કંપની પહેલેથી જ કોવિશિલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા સાથે કામ કરી રહી છે. સીરમ સંસ્થાના સીઈઓ આદર પૂનાવાલાએ શુક્રવારે ટ્વીટ કરીને લખ્યું કે, 'અમે એક નવો મુકામ હાસિલ કર્યો છે. આ અઠવાડિયે અમે કોવોવેક્સના પ્રથમ ડોઝનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. પુણેમાં અમારી ફેક્ટરીમાં ઉત્પાદિત કોવોવેક્સના પ્રથમ ડોઝ જોઈને અમે ઉત્સાહિત છીએ. આ રસી 18 વર્ષથી ઓછી ઉંમરની અમારી ભાવિ પેઢીઓને બચાવવાની મોટી સંભાવના ધરાવે છે.

બાળકો પર ટ્રાયલ

એક અહેવાલ અનુસાર શરૂઆતમાં રસીની અજમાયશ 12 થી 18 વર્ષની વયના બાળકો પર કરવામાં આવશે. તેના આગલા તબક્કામાં, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ટ્રાયલ હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારત બાયોટેક પણ તેની રસી-કોવેક્સિનનું બાળકો પર ટ્રાયલ કરી રહી છે. હાલમાં, વિશ્વના ઘણા દેશોમાં 12 થી 18 વર્ષની વયના બાળકોને ફાઇઝરની રસી આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં ટ્રાયલના પરિણામો

આ મહિને, નોવાવેક્સે જાહેરાત કરી કે રસીને ફેઝ 3 ટ્રાયલમાં ઉત્તમ પરિણામો આપ્યા છે. આ ટ્રાયલ અમેરિકા અને મેક્સિકોમાં 119 સ્થળોએ યોજાયા હતા. જેમાં 29 હજાર 960 લોકોએ ભાગ લીધો હતો. ટ્રાયલ પછી મળેલા ડેટા મુજબ આ રસી લગભગ 90.4 ટકા અસરકારક છે. તાજેતરમાં, નીતી આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે, જાહેરમાં ઉપલબ્ધ ડેટા પણ સૂચવે છે કે રસી સલામત અને ખૂબ અસરકારક છે.