વડોદરા,તા.૪ 

આજે બપોરના સમયે ગોરવા આઈટીઆઈ પાસે પાણીની પાઈપલાઈન માટે ખોદવામાં આવેલ ખાડામાં એક ગાય ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા આસપાસના રહીશોએ સ્થાનિક કોર્પોરેટર રાજેશ આયરેને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. સાથે સાથે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા સ્થળ પર પહોંચીને ગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી આઈ.ટી.આઈ પાસેની એક સોસાયટી બહાર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલુ હોવાથી પાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની આસપાસ કોઈ પ્રકારની સાવચેતી ન રાખી હોવાથી આજે બપોરના સમયે એક ગાય ખાડામાં પડી ગઈ હતી. સાંકળા ખાડામાં પડેલી ગાય બહાર નીકળી શકી ન હતી. જેના કારણે વ્યાકુળ થઇ ગયેલી ગાય પર આસપાસના લોકોની નજર પડતા લોકોએ પણ ગાયને બહાર કાઢવા માટે મદદ શરુ કરી દીધી હતી. તેમ છતાં ગાય બહાર આવી ન શકતા લોકોએ આ અંગે સ્થાનિક કોર્પોરેટર રાજેશ આયરેનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બીજી બાજુ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગાયને સહી સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.