વડોદરા : ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઈસમોને ઝડપી પાડયા છે. આઈપીએલની શરૂઆત થતાં જ ક્રિકેટ ઉપર રમાતા સટ્ટાની પ્રવૃત્તિમાં એકાએક વધારો થયો છે. ૧પ દિવસમાં જ ડીસીબી અને પીસીબીએ ક્રિકેટ ઉપર રમાતા સટ્ટામાં ચાર જેટલા સ્થળો ઉપર દરોડા પાડી ૧૦ જેટલા ઈસમોને ઝડપી પાડયા છે. જાે કે, સામાન્ય જુગારની કલમ હોવાથી આરોપીઓ જલદી છૂટી જાય છે. બીજી તરફ ખાસ કારણોસર પોલીસ પણ સટ્ટાના મામલામાં મૂળ સુધી પહોંચી શકતી નથી. 

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરના છાણી વિસ્તારમાં ક્રિકેટ ઉપર મોટા પ્રમાણમાં સટ્ટો રમાઈ રહ્યો છે. જેના આધારે પીઆઈ એ.બી.જાડેજાની ટીમે છાણી અમીનનગર ખાતે પહોંચી જઈને એક મકાનમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનમાં આઈપીએલ ૨૦-૨૦ મેચ જે ચેન્નઈ સુપરકિંગ તથા સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી હતી તેનું જીવંત પ્રસારણ ચાલતું હતું એ જાેઈ ક્રિકેટના ભાવ-તાલના આધારે ગ્રાહકો સાથે મોબાઈલ ફોન ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં લક્ષ્મણ અંબાલાલ પટેલ (રહે. અમીનનગર, છાણી) અને હાર્દિક ભૂપેન્દ્રભાઈ પટેલ (રહે. અમીનનગર, છાણી)નો સમાવેશ થાય છે. પોલીસે બંને પાસેથી મોબાઈલ ફોન નં.૩ કિંમત રૂા.ર૦,પ૦૦, રોકડ રકમ રૂા.૧૯,૫૦૦, ટીવી સેટટોપ બોક્સ સાથે કિંમત રૂા.૧૦,૦૦૦ ઉપરાંત, કેલ્યુલેટર તેમજ હારજીતનો હિસાબ લખેલી ડાયરી સહિતનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બુકી ઈકબાલ ઈટાલી (રહે. પાદરા)ને ફરાર જાહેર કર્યો હતો.