દિલ્હી-

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મહત્વની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં શિલાન્યાસની તારીખ ઉપરાંત મંદિરની ઉંચાઇ અને નિર્માણની વ્યવસ્થાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્યની તૈયારી પૂરી થઈ ગઇ છે. એવામાં ભૂમિ પૂજન બાદ કાર્ય શરૂ કરવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર, 3 અથવા 5 ઓગ્સટ ભૂમિ પૂજનની સંભવિત તારીખ હોઇ શકે છે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં પીએમ મોદીના સામેલ થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે 2014 લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત પીએમ મોદી અયોધ્યા આવી શકે છે.

રામ મંદિર નિર્માણ માટે તારીખો સૂચવવામાં આવી છે, પીએમઓ અંતિમ નિર્ણય લેશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે મંદિરના મોડલની ઉંચાઈ વધારવામાં આવશે. સૂચિત રામ મંદિરનું મોડેલ 128 ફૂટ ઉંચું છે, હવે તેને વધારીને 161 ફૂટ ઉંચું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ગર્ભગૃહની આસપાસ હવે 5 ગુંબજ બનાવવામાં આવશે. હજી જમીનની તાકાત કેટલી છે, તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યારબાદ નિર્ણય લેવાશે કે, કેટલા પાયો નાખવામાં આવશે. 60 મીટર નીચેથી જમીનના નમૂનાઓ લેવામાં આવશે.