વડોદરા

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો પોતાની સુરક્ષા માટે કોરોનાની રસી લઈ રહ્યા છે, તેવા સમયે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ધાર્મિક મેળાવડાની ઉજવણીમાં ભાન ભૂલેલા નેતાઓના પાપે કોરોના વાઈરસ શહેર-જિલ્લામાં ફરી એકવાર માથું ઊંચકી તેનો વિકરાળ પંજાે ફરી ફેલાવી રહ્યો છે. તેવા સમયે કરજણના ૭૬ વર્ષીય ખેડૂતનું શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શહેર-જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જે છેલ્લા દોઢ-બે માસથી કોરોનાના કેસોમાં ઘટાડો થતાં તે સંખ્યા ૪૦ સુધી પહોંચી ગઈ હતી. હવે ધીમે ધીમે વધી રહેલ સંખ્યાને કારણે આરોગ્ય વિભાગના સત્તાધીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સાથે દર્દીઓના મૃત્યુ પણ પામી રહ્યા છે. આજે દિવસ દરમિયાન પ૯ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરના ચારેય ઝોનમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૨૫૩૩ વ્યક્તિઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પ૮ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૨૫૩૧૧ ઉપર પહોંચ્યો હતો, જ્યારે હાલમાં ૬૦૯ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૪૦ વેન્ટિલેટર ઉપર, ૮૭ ઓક્સિજન ઉપર હોવાનું તેમજ ૪૮૨ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે અર્ધાંગિની સાથે કોરોના રસી મુકાવી

વડોદરા. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે શહેરમાં હજારો-લાખો લોકોની મેદનીની ઉપસ્થિતિમાં શિવજી કી સવારીની શહેરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કર્યા બાદ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને તેમના અર્ધાંગિની મહાનગરપાલિકા સંચાલિત દવાખાને કોરોનાની રસી મુકાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રસી મુકાવ્યા બાદ સરકારી વ્યવસ્થાઓના લાભ લેવા નગરવાસીઓને રસી મુકાવવા માટે અનુરોધ કર્યો હતો. અલબત્ત, કોરોનાના વધી રહેલા કેસોની દહેશત વચ્ચે હાલ રસીકરણના ચાલી રહેલા અભિયાન અંતર્ગત રસીકરણ સેન્ટરો ઉપર નાગરિકો ઉમટી પડયા છે અને લાઈનો સાથે ભીડ જાેવા મળી રહી છે.