વડોદરા : મોટી ઉંમરે પ્રેમસંબંધ બંધાયા બાદ એની સાથે જ લગ્ન થતાં સર્જાયેલી ખુશીનો પ્રસંગ લાંબો સમય ટકયો નથી. શહેરના ગોત્રી વિસ્તારના યુવક-યુવતીએ લાંબા સમયના પ્રેમસંબંધ બાદ ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. પરિવારજનો દરેકને ઉત્સાહ હતો, પરંતુ કુદરતને જાણે કાંઈ જુદુ જ મંજૂર હોય એમ મહેંદીનો રંગ ઉતરે એ પહેલાં જ ચક્કર આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જતાં નવપરિણીતાનું મોત નીપજ્યું હતું અને કોરોનાનો રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.

. નવવધૂના મોત બાદ કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કઢાવતાં જે પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની ગાઇડલાઇન મુજબ નવવધૂની પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. નવવધૂ પોતાના ભરથાર સાથે સાંસારિક જીવનની શરૂઆત કરે તે પહેલાં જ મોત થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી.

ગોત્રી વિસ્તારમાં આવેલી ૩૭, ક્રિષ્ણા ટાઉનશિપ-૧માં રહેતા મુક્તાબહેન સોલંકી (ઉં.વ.૪૫) અને તેમની જ ક્રિષ્ણા ટાઉનશિપમાં મકાન નંબર-એ/૧૦૧માં રહેતા હિમાંશુ શુક્લા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ૧ માર્ચના રોજ લગ્ન થયા હતા. ત્યાર બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી, જ્યાં મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી. ફેમિલી ડોક્ટરની દવા લીધા બાદ થોડો સમય આરામ કર્યા બાદ પરિવારજનો દ્વારા આજે મુક્તાને પતિગૃહેથી પિતાના ઘરે જવાની વિધિ કરવાની હતી.

આજે સવારે મુક્તાને પતિના ઘરેથી પિતાના ઘરે જવાની વિધિ કરવાની હતી ત્યારે પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો. ૩ દિવસ પહેલાં મનના માણીગર હિમાંશુ સાથે સપ્તપદીના સાતફેરા ફરનાર મુક્તા પણ પોતાના ભરથાર હિમાંશુ સાથે સાંસારિક જીવનની શરૂઆત કરવા માટે ખુશ હતી. તાવના કારણે મુક્તાબહેન અશક્ત હતી, પરંતુ તેણીના ચહેરા ઉપર પતિગૃહે આવીને અનેરો ઉત્સાહ હતો. કારણ કે મુક્તાનું તેના મનગમતા ભરથાર હિમાંશુ સાથે લગ્ન થતાં તેણીની ખુશીનો પાર ન હતો.

લગ્ન પૂર્વે સાંસારિક જીવનના સોનેરી સપનાં જાેનાર મુક્તા પતિગૃહે આવ્યા બાદ પિતાના ઘરે જવા માટે તૈયાર થઇ ગઇ હતી. તે જ સમયે એકાએક મુક્તાને ચક્કર આવતાં તે સ્થળ પર ફસડાઇ પડી હતી, જ્યાં હાજર લોકોએ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને મુક્તાને બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ સારવાર આપતાં પૂર્વે જ મૃત જાહેર કરતાં પતિ હિમાંશુ શુક્લા સહિત પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ ક્રિષ્ણા ટાઉનશિપમાં થતાં ટાઉનશિપમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી.

પતિ ઊંડા આઘાતમાં સરી પડયો

ગોત્રી વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા ટાઉનશિપમાં જ રહેતા અને એગ્રિકલ્ચર ચીજવસ્તુઓના વ્યવસાય સાથે સંકળાયેલ હિમાંશુ શુક્લા ધંધામાં વ્યસ્ત હોવાથી મોટી ઉંમર સુધી અપરિણીત રહ્યો હતો. પરંતુ સોસાયટીમાં જ રહેતી મુક્તાબેન સોલંકી સાથે પ્રેમસંબંધ બંધાતાં લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. બંને પરિવારજનોના નક્કી થયા મુજબ લગ્ન થયા હતા અને ત્રીજા જ દિવસે પત્નીનું (નવપરિણીતા)નું મોત નીપજતાં પતિ હિમાંશુ શુકલા ઊંડા આઘાતમાં સરી પડયો હોવાનું સગાંસંબંધીઓએ જણાવ્યું હતું.