વડોદરા : કોરોના સંક્રમિત બનેલા અને શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે ૧૭ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. આ સાથે આજે વધુ નવા ૧૨૨ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૮૭૯૫ પર પહોંચી હતી. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ બે દર્દીઓના કોરોનામાં મોત થયાનું જાહેર કરતાં કોરોનામાં મોતને ભેટેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૫૧ થઈ હતી, જ્યારે હાલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૩૫૯ દર્દીઓમાં ૧૧૫૮ દર્દીઓની હાલત સ્થિર હોવાનું તેમજ ૧૪૪ ઓક્સિજન પર અને ૫૭ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. 

આજે સારવાર દરમિયાન સાજા થયેલા અને કોરોનામુક્ત બનેલા ૧૭૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં ૩૧ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી અને ૭૮ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાંથી તેમજ ૬૭ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કર્યા હતા. આજે પોઝિટિવ આવેલા ૧૨૨ દર્દીઓમાં સૌથી વધારે રૂરલમાંથી ૩૭, પશ્ચિમ ઝોનમાંથી ૨૭, દક્ષિણ ઝોનમાંથી રર, ઉત્તર ઝોનમાંથી ૧૯ અને પૂર્વ ઝોનમાંથી ૧૭ દર્દીઓનો સમાવેશ થયો હતો. આજે સારવાર દરમિયાન મોતને ભેટેલા દર્દીઓમાં પેટલાદ ખાતે રહેતા અને ગત તા.૧ના રોજ કોરોના સંક્રમિત બનેલા પપ વર્ષીય દર્દીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનું આજે મોત થયું હતું. માંજલપુર વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત બનતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યંુ હતું.શહેરના હાથીપોળ માર્કેટ પાસે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધા, સમા-સાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધા, સેવાસી ગામે રહેતાં ૫૮ વર્ષીય આધેડ અને વારસિયા વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય મહિલા સહિતનાઓ કોરોના સંક્રમિત બનતાં આ તમામ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ સાથે કુલ ૧૭ દર્દીઓના મોત નીપજ્યાં હતાં. આ તમામ દર્દીઓના કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.