અમદાવાદ-

રાજયમાં કોરોનાના કેસો હવે 10 હજારને આંબી ગયા છે. તેમાં પણ રાજયમાં સૌથી વધારે કેસો અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદમાં શહેરમાં હવે તો કોરોનાનો આંક 3 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે સતત કેસોના વધારાને પગલે લોકોમાં લૉકડાઇનની માગ પણ થઇ રહી છે. જોકે, રાજય સરકારે લોકડાઉનની પરિસ્થિતિ ન હોવાનું કહી લોકડાઉન નહિ થાય તેમ પણ જણાવી દીધું છે. ત્યારે અમદાવાદ શહેરમાં હવે તો ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓને અપીલ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરનાં સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, સરદારનગર, કુબેરનગર, નરોડા, નરોડા પાટિયા વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો, વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધનું એલાન અપાયું છે. આ એલાનના પગલે રાણીપ ગામ, બલોલનગર, ન્યુ રાણીપ, માણકી સર્કલ, ચેનપુર રોડ, સાબરમતી, રામનગર, ધર્મનગર, રામનગર શાકમાર્કેટ સહિતના વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યા હતા. આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો અને દવાખાના જ ચાલુ રહ્યાં હતા. સાબરમતી વેપારી મહાજન દ્વારા સાબરમતી વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિક કાઉન્સિલર ચેતન પટેલ અને અન્ય નેતાઓએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને બપોર બાદ દુકાનો બંધ રાખવા સૂચન કર્યું હતું. જેમાં વેપારીઓએ તૈયારી દર્શાવી હતી. અને, હવે 30 એપ્રિલ સુધી સાબરમતીમાં બપોરે 3 વાગ્યા બાદ બંધ પાડવામાં આવશે. આ સાથે માત્ર દવાની દુકાનો ચાલુ રાખવાની છૂટ અપાઇ છે.