ગાંધીનગર-

રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને લઇને મહત્વનો ર્નિણય કર્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકમમાં હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાજ્યમાં છાશવારે આમ આદમી પાર્ટીના કાર્યકમ દરમ્યાન નેતાઓ પર હુમલા થયા છે જેના કારણે આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨ દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. ત્યારે હવે આ હુમલા થયાના ૪૮ કલાક બાદ ગૃહ વિભાગે આમ આદમી પાર્ટીને સુરક્ષા આપવાની ખાતરી આપી છે. વિસાવદરના લેરિયા ગામે આપના કાફલા પર થયેલા હુમલા બાદ આખી રાત હાઇવોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો હતો. આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આપના નેતાઓએ રાત પોલીસ સ્ટેશનમાં જમીન પર સૂઈ રાત વીતાવી પડી હતી. આ સાથે ન્યાય નહીં મળે તો દીલ્હીથી અરવિંદ કેજરીવાલ આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. જાે કે, હવે રાજ્યના ગૃહ વિભાગે આપ પાર્ટીની સુરક્ષાને લઇને મોટો ર્નિણય લીધો છે.