અમદાવાદ-

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જાેકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે માંગ કરી છે કે, કોરોના મહામારીમાં સરકારે અનેક રાહતો આપી છે. એવામાં જે શાળાઓની પરિસ્થિતિ સારી નથી તેમને લોન આપવી જાેઈએ. જાે શાળાઓને ફી નહીં મળે તો તેઓ શિક્ષકો અને અન્ય કર્મચારીઓને છુટા કરશે. આવુ થશે તો વિકટ પરિસ્થિતિ પણ ઉદ્દભવશે. રાજ્ય સરકાર સાથે બેસીને અમે નિર્ણય કરવા માગીએ છીએ, સરકાર અમારા તરફી પણ વિચારશે તેવી આશા છે. સરકારના આદેશ બાદથી તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ બંધ કરવાથી છબી બગડશે.

સરકારે સ્વનિર્ભર શાળાઓ માટે અને તેમના અસ્તિત્વ અંગે પણ વિચારવું જરૂરી છે. વાલીઓ અમારો પરિવાર છે, એવી જ રીતે અમારા શિક્ષક અને અન્ય કર્મચારીઓ પણ અમારા પરિવારના સભ્યો છે. સરકાર તમામ અંગે વિચારે અને અંતિમ નિર્ણય જલ્દી લે તેવી આશા છે. અમદાવાદના મણિનગરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ શરુ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રિ સ્કૂલના બાળકોને આજે પણ ઓનલાઈન અભ્યાસ કરાવ્યો હતો. અન્ય વર્ગો માટે એક દિવસ રોકાવાનો નિર્ણય લીધો છે.

સ્કૂલ શરૂ ના થાય ત્યાં સુધી ફી ના લેવામાં આવે તેવા નિર્ણયથી શાળા સંચાલકો નારાજ છે. ત્યારે કેટલીક શાળાઓએ આ બાબતને માનવીય અભિગમ બતાવ્યો છે. કેટલીક મોટી ખાનગી શાળાઓએ આજથી ઓનલાઈન વર્ગો બંધ કર્યા છે. શાળાઓ માટે પણ શિક્ષકોને પગાર કરવો અને અન્ય ખર્ચ કાઢવાના હોવાથી સરકાર કઈક વિચારે તેવી માંગ કરાઈ છે. જે શાળાઓ ઓનલાઈન વર્ગો હાલ ચાલુ રાખી રહી તેમના શાળા સંચાલકોએ પણ વાલીઓ સાથે ઓનલાઈન વાતચીત કરી વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો પણ પ્રયાસ કર્યો.