દિલ્હી-

દિલ્હી હાઈકોર્ટે કિસાન રેલીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાની તપાસની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર પણ કરી દીધો હતો. હાઈકોર્ટે  અરજદારને પૂછ્યું હતું કે હિંસાના માત્ર બે દિવસ બાદ જ કેમ અરજી કરવામાં આવી? શું તમને લાગે છે કે તપાસ બે દિવસમાં પૂર્ણ થઈ શકે? હાઈકોર્ટે અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કુલ 43 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં 13 સ્પેશયલ સેલને આપવામાં આવ્યા છે. યુએપીએ હેઠળ પણ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. શીખ ફોર જસ્ટિસ જેવી પ્રતિબંધિત સંસ્થાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલે કહ્યું કે પોલીસ કાયદા મુજબ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

બુધવારે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે ન્યાયિક તપાસની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે સરકાર આ કેસની તપાસ કરી રહી છે અને અમે પીએમનું નિવેદન પણ જોયું છે કે કાયદો તેનું કામ કરશે. હાલમાં સુપ્રીમ કોર્ટ દખલ કરશે નહીં. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમની બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ અને હાઈકોર્ટના બે ન્યાયાધીશો ધરાવતા ત્રણ સભ્યોની તપાસ પંચની રચના કરવામાં આવે. તેમજ હિંસાના આક્ષેપિત અપમાન અને ત્રિરંગો માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થવી જોઇએ.