રાજકોટ

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગના ધારાસભ્યોએ એક અવાજે ગુજરાત કોંગ્રેસની કમાન પ્રશાંત કિશોરને સોંપવા માંગણી કરી હતી. આ બેઠકમાં ગુજરાતના નવા પ્રભારીની ઝડપથી નિમણૂક કરવા ઉપરાંત ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન પ્રશાંત કિશોરને સોંપવા મુદ્દે પણ માંગણી ઉઠી હતી.દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે આજની આ મહત્ત્વની બેઠક ખાસ કરીને વિધાનસભા સત્ર તેમજ આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત પ્રદેશ સંગઠનમાં પ્રભારી નિમણૂક કરે તે અંગે વિચાર-વિમર્શ કરવા માટે બોલાવાઈ હતી. ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે ત્યારે સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવશે કે કોરોનાના કેસ સરકાર પરત ખેંચે તેમજ તમામ શાળાઓની વાર્ષિક ફી માફ કરવામાં આવે.આ ઉપરાંત લોકોને વીજબીલમાં રાહત મળી રહે તેમજ ગામડાઓના બંધ થયેલા એસ.ટી.રૂટ ફરી શરૂ કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યના ૩૬ લાખથી વધુ ખેડૂતોના દેવા સરકાર માફ કરે તે પણ જરૂરી છે. પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે કોંગ્રેસ આગામી ૧૩ મહિના અને ૫૪ સપ્તાહ સુધી રાજ્યના અલગ અલગ ૨૬ વિભાગો માટે ‘શેડો મિનિસ્ટ્રી’ની રચના કરવામાં આવશે.આ મિનિસ્ટ્રી દ્વારા ભાજપની નાનામાં નાની અને મોટામાં મોટી નિષ્ફળતાને લોકો સુધી લઈ જવામાં આવશે. ધાનાણીએ ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર વહીવટના દરેક મોરચે નિષ્ફળ નિવડી છે એટલું જ નહીં રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને ઘરે બેસાડી નવા નિશાળીયાઓને રાજ્યનું શાસન સોંપી ગુજરાતની જનાતાને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાને લીધે ગુજરાતની બાઠી બેઠી છે.કોંગ્રેસ કોવિડ અભિયાન અંતર્ગત સરકાર મૃતકના પરિવારજનોને ઝડપથી સહાય ચૂકવે તેવી પ્રબળ માંગ આગામી સમયમાં પણ યથાવત રાખશે. વિધાનસભા સત્ર મળે તે પહેલાં કામકાજ સલાહકાર સમિતિમાં ખુલ્લામને કોંગ્રેસ ચર્ચા કરશે અને પ્રજાની વેદનાઓને વાચા મળે તે માટે ચોમાસું સત્રના દિવસો વધારવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા તેમજ દંડક અશ્ર્‌વિન કોટવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.