વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની મિટિંગ સ્થાયી સમિતિના ખંડમાં વિવિધ કામોની મંજૂરીને માટે મળી હતી. આ મિટિંગમાં માત્ર સાત મિનિટમાં સૂચના પત્ર પરના તમામ છ કામોને આંખના પલકારામાં મંજુર કરી દેવામાં આવ્યા હતા. એક તરફ રાજ્ય સરકારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન બદલ એક દિવસનો શોક જાહેર કર્યો હતો. પરંતુ સ્થાયીએ કરોડોના કામો મંજુર કરવાની ઉતાવળમાં માત્ર બે મિનિટ મૌન પાળીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેઓની ન તો સ્મશાનયાત્રા નીકળી હતી, ન તો તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો નહોતો. તેમ છતાં સ્થાયી સમિતિની વર્ચ્યુઅલ મિટિંગ ચાલુ રાખવામાં આવી હતી. તેઓએ આ બધી બાબતોને નજર અંદાજ કરીને કામોને મંજૂરી આપી હતી.

આમ રાજ્ય સરકારના શોક વચ્ચે સ્થાયીની મિટિંગમાં માત્ર સાત મિનિટમાં કામો મંજુર કરાયા હતા. સૌથી વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે, કરોડોના કામ મંજુર કરવા બાબતે કોઈ ચર્ચા હાથ ધરાઈ નથી. જેમાં શાસક પક્ષ ભાજપના સભ્યોએ જી હજુરીની માફક હામા હા ભરાવીને તમામ કામોને મંજુર કરાવી દીધા હતા. આને કારણે આ મિટિંગ અત્યંત ચર્ચાસ્પદ બની રહેવા પામી છે.

આ મિટિંગમાં મુખ્ય કચેરીની આરોગ્ય શાખાએ પાલિકાના વર્તમાન અને પૂર્વ સભાસદોની સારવારના બીલો અને ડ્રેનેજ પ્રોજેક્ટ તથા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના ડ્રેનેજ લાઈનના ભંગાણની દુરસ્તીના ત્રણ કામોના બીલો, પાણીની ટાકીઓને માટે ક્લોરિનના ટ્રાન્સપોર્ટેશનના કામ અને ધનકચરાના નિકાલને માટેના પ્લાન્ટના ૪૭ કરોડના પ્રોજેક્ટને એક ઝાટકે મંજૂરી આપી દેવામાં આવી હતી.