અમદાવાદ-

દસ્ક્રોઈ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતી મહિલા ખુરશીમાં બેસવા ગઈ ત્યારે તેના સહ કર્મી ડોક્ટરે ખુરશી ખેંચી લેતા મહિલા જમીને પટકાઈ પડતા કરોડરજ્જુની પૂંછડી માં ફ્રેક્ચર થયું હતું . જેથી મજાક કરનાર ડોક્ટરે દવાના પૈસા આપવાનું કીધુ હતુ. બાદમાં અચાનક આ ડોક્ટરે પૈસા આપવાની ના પાડીને મહિલા સાથે અપમાનજનક વર્તન કરતા મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ઈસનપુરમાં રહેતી અને દસ્ક્રોઈ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ત્રણેક વર્ષથી ફરજ બજાવતા 31 વર્ષીય મહિલા ગત વર્ષ 2020 માં બપોરે નારોલની હેલ્થ ઓફિસ ખાતે તેમના ડોક્ટરોના સ્ટાફ સાથે હાજર હતા. દરમિયાન મહિલા ખુરશીમાં બેસવા ગઈ ત્યારે તેમના સહ કર્મી ડોક્ટર ભાવેશ લીમ્બાચીયાએ ખુરશી ખેંચી લેતા મહિતા જોરથી નીચે પડી હોવાથી કમરમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો. બીજી બાજુ સહ કર્મી ડોક્ટરે મજાકમાં ખુરશી ખેંચી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ એક ડાયગ્નોસિક સેન્ટરમાં એમ.આર.આઈ કરાવતા તેને કરોડરજ્જુની પૂંછડીમાં ફ્રેક્ચર થયું હોવાનુ સામે આવ્યું હતું. તે દરમિયાન સહ કર્મી ડોક્ટર ભાવેશ દવાનો ખર્ચ આપવા તૈયાર થયા હતા. જેથી મહિલા ડોક્ટર સારવાર કરવાનું શરૂ કર્યું તે દરમિયાન સહ કર્મી ભાવેશે પૈસા આપવાની ના પાડી અપમાનજનક વર્તન કર્યું હતું. જેથી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સહ કર્મી ડોક્ટર ભાવેશ લીમ્બાચીયાના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.