વડોદરા : જુનિયર ડોકટર્સ એસોસિએશનના તબીબો તેમની કેટલીક માગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. જે આંદોલનમાં તેઓે અડગ રહીને આજે ચોથા દિવસે પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને હોસ્પિટલ કેમ્પસમાં રેલી યોજી હતી. હોસ્ટેલની સુવિધા પાછી ખેંચી લેવાના ર્નિણય અને ધમકીને બાળકબુદ્ધિનો ર્નિણય ગણાવ્યો હતો. સરકાર જાે યોગ્ય ર્નિણય નહીં કરે તો વિરોધ ચાલુ રાખવામાં આવશે તેમ વડોદરા જેડીએના પ્રમુખ ડો. આકાશ દેસાઈએ જણાવ્યું હતું. આજે આ તબીબોની કેટલીક ટીમો હોસ્પિટલ વોર્ડમાં ફરજ બજાવતા રેસિડન્ટ તબીબોને બહાર કાઢવા માટે પહોંચી હતી. અલબત્ત જુનિયર તબીબો આરપારની લડાઇ માટે મક્કમ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સમયે ફરજ બજાવી રહેલા જુનિયર રેસિડન્ટ તબીબોએ અને પીજીના તબીબી વિદ્યાર્થીઓને કોરોના સમયે કોરોના ડયૂટી સોંપવામાં આવી હતી. જે તે સમયે સરકાર દ્વારા તેઓને તેમના બોન્ડની સમયમર્યાદામાં ઘટાડો કરવાની સાથે કેટલાક લાભો આપવા માટેની બાંહેધરી આપી હતી. પરંતુ કોરોના નરમ પડતાં સરકાર દ્વારા તેઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે લાભો પૈકીની ચાર મુખ્ય માગણીઓ સરકાર સમક્ષ જુનિયર રેસિડન્ટ તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ સરકારમાં રજૂઆત કરવા ગયા હતા, જ્યાં તેઓને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. જેથી રોષે ભરાયેલા રાજ્યભરના સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી. તેઓની મુખ્ય માગણીઓ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને છેલ્લા ચાર દિવસથી સરકાર સામે હડતાળનું આંદોલન ચલાવી રહ્યા છે.

ત્યારે જુનિયર તબીબોના આંદોલનને કચડી નાખવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ હડતાળને ગેરવાજબી ગણાવી તબીબોને ફરજ પર હાજર થવા માટેનો આદેશ કરી એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ધમકી ઉચ્ચારી હતી. તેમ છતાં પણ તબીબોએ નાયબ મુખ્યમંત્રી-આરોગ્યમંત્રીના આદેશનો અનાદર કરી પોતાનું આંદોલન ચાલુ રાખતાં નીતિન પટેલ છંછેડાયા હતા અને રાજ્યની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ જુનિયર રેસિડન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આ અંગેનું ફરમાન મેડિકલ કોલેજના ડીનને આવતાં મેડિકલ કોલેજના ડીનએ રાજ્યની તમામ મેડિકલ કોલેજ સહિત વડોદરા મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરે ગઈકાલ મોડી રાતે રેસિડેન્ટ તબીબોને મેડિકલ હોસ્ટેલ ખાલી કરવા માટેની નોટિસ બજાવવામાં આવી હતી. એકાએક હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ મળતાં રેસિડન્ટ તબીબો અસમંજસમાં મુકાઈ ગયા હતા. જાે કે, હજુ સુધી તબીબોએ હોસ્ટેલની રૂમો ખાલી કરી નથી. જેથી કોલેજના સત્તાધીશોએ પાણી અને લાઈટ કનેક્શન બંધ કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં પોલીસના દમનથી હોસ્ટેલ ખાલી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, જુનિયર તબીબ સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી હોસ્ટેલની રૂમો ખાલી કરાવવા માટે કોઈ જબરદસ્તી કરવામાં આવી નથી તેમ જણાવ્યું હતું.

જેડીએના પ્રેસિડેન્ટે ડો. આકાશ દેસાઈએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતેથી હડતાળના આંદોલન મામલે વાટાઘાટો કરવા માટે બોલાવવા માટેનો ફોન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી સ્થાનિક આરોગ્ય કમિશનરને મળવા માટે જવાના છે અને ત્યાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. જાે સરકાર અમારી ચાર માગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે અને અડીખમ રહીને સરકારની નીતિનો વિરોધ કરીશું. સરકારે અમને જે લાભો આપવા માટે કહ્યું છે તે જ અમો માગી રહ્યા છીએ, વધારે તો અમે કાંઈ માગતા નથી તેમ જણાવી સરકારની બેધારી નીતિનો વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.