સુરત, સુરત શહેરમાં ક્રૂરતાની તમામ હદ વટાવતો એક બનાવ સામે આવ્યો છે. આ અંગેનો વીડિયો વાયરલ થતાં જ આવું જઘન્ય કૃત્ય કરનાર તત્વો સામે ફિટકાર વરસી રહી છે. સુરતના વેસુ ભગવાન મહાવીર કૉલેજ પાસેના રોડ પર એક આવા અમાનવીય દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં બાઇક પર સવાર બે યુવકો દોરડા વડે એક શ્વાનને બાંધીને ઢસડી રહ્યા હતા. શ્વાસ જીવતો હોવાથી રસ્તેથી પસાર થતાં અન્ય લોકો પણ ચોંકી ગયા હતા. બંને યુવકો શ્વાનના ગળામાં ફંદો નાખીને તેને ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તેથી પસાર થતા અન્ય લોકોએ દરમિયાનગીરી કરી હતી અને બંને યુવકોને અટકાવ્યા હતા. વાહન ચાલકોએ બંને યુવકોને આવું ન કરવા માટે સમજાવ્યા હતા. જાેકે, અન્ય લોકો દરમિયાનગીરી કરે ત્યાં સુધીમાં તો શ્વાનનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું. બંને યુવકની બાઇક પાછળ આવી રહેલા એક યુવકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો હતો.