છોટાઉદેપુર, તા.૧૬

છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાના ઘરે નળથી જળ પહોંચાડવાનું સપનું અધૂરું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચતું નથી તેવી ફરિયાદો ઉઠી છે. ઘણા વિસ્તારોમાં ઘરે ઘરે નળ તૂટેલી હાલતમાં જાેવા મળી રહ્યા છે. ઘણા અંતરિયાળ ગામોમાં બનાવેલા નળ તૂટેલા છે. આમ કામોમાં ગેરરીતિ થઈ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર ૧ વર્ષના સમયગાળામા જ બનાવેલા નળ તૂટેલી હાલતમાં જાેવા મળી રહ્યા છે. છોટાઉદેપુર પંથકમાં બનાવેલા નળ હાલ પ્રજાના ઘરે પાણી આવતાં પહેલાં જ તૂટી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે પાણી પણ આવતું નથી. ગ્રામીણ વિસ્તારની પ્રજા ફરિયાદ કરી રહી છે કે અમારા ઘરો સુધી હજુ પાણી પહોંચ્યું નથી. આજે પણ હેન્ડપંપ દ્વારા પાણી લાવવું પડે છે અને સમયનો વેડફાટ થાય છે. જેના કારણે પ્રજામાં રોષ જાેવા મળી રહ્યો છે. નળથી પાણી તો આવતું નથી પરંતુ હેન્ડપંપ પણ બગડેલા જાેવા મળી રહ્યા છે. મિલીભગતને કારણે પ્રજાની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. કરોડો ખર્ચ્યા પછી પણ જૈસે થે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણી જગ્યાએ પાઇપો માટે ખોદવામાં આવેલા ખાડા ૧ ફૂટથી પણ ઓછા ખોદવામાં આવ્યા હોવાની બૂમો સંભળાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ શુ ધ્યાન આપ્યું? એ અંગે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. છોટાઉદેપુર પંથકમાં આવેલા એકલબારા, ડોલરીયા, સીમલફળિયા જેવા ગામોમાં સર્વે કરતાં ઘણી જગ્યાએ નળ તૂટેલા જાેવા મળી રહ્યા છે. પાણી આવતું નથી તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. હેન્ડપંપ ચાલતા નથી. જ્યારે રસ્તાના નાળા તથા કોઝવે પણ તૂટેલા જાેવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ જ નળથી પાણી પહોંચાડવા નળ તો બન્યા પરંતુ તૂટી ગયા છે. પાઇપો ફાટી ગઈ છે. સિમેન્ટના પોલ ઉભા કરી નળ ફિટ કરવામાં આવ્યા પરંતુ ઘણી જગ્યાએ પોલ સાથે નળ તૂટી ગયા છે. દર વર્ષે પ્રજાએ ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. પરંતુ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થતી હોવાની બૂમો ઉઠી રહી છે. આ તૂટેલા નળ રીપેર થશે કે નવો ખર્ચો કરવામાં આવશે તે જાેવાનું રહ્યું.

હાલમાં પાણી અંગેની જે યોજના છે. તેમાં ઘણા વિસ્તારોમાં હજુ ઘણા કામો બાકી છે. પરંતુ જે થઈ ગયા છે તેમાં પણ પાણી પ્રજાને મળતું નથી.