વડોદરા-પાદરા

આબુ રોડથી બોલેરો પિકઅપ વાનમાં વિદેશી દારૂના પાઉચનો જથ્થો લઈને મોડી રાત્રે વડુ પેટ્રોલપંપ પર આપવા માટે આવી રહેલા પિકઅપ વાનના ચાલકને એલસીબીની ટીમે વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો તેમજ પિકઅપ વાન સહિત ૪.૮૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગાડીમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર આબુ રોડના અશોક પ્રજાપતિને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જિલ્લા પોલીસની એલસીબીની ટીમને માહિતી મળી હતી કે એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મહુવડ ચોકડી તરફથી વડુ તરફ જવાનો છે. આ માહિતીના પગલે પોલીસે પંચો સાથે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને રાત્રે સાડા બાર વાગે માહિતી મુજબની બોલેરો પિકઅપ વાન આવતા જ તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. પોલીસે પિકઅપ વાનના ચાલક પંકજ રંગજી પારગી (સામરિયા ગામ, પ્રતાનગર, થાણા બાસવાડા રાજસ્થાન)ને નીચે ઉતારી પિકઅપ વાનમાં તપાસ કરી હતી જેમાં પાછળના ફાલકાના ભાગમાં સડી ગયેલી કોબીના જથ્થાના નીચે વિદેશી દારૂની ૩૮ પેટીઓ મળી હતી. આ પેટીઓમાંથી પોલીસે રોયલ ક્લાસીક વ્હિસ્કીના ૧,૮૨,૪૦૦ની કિંમતના ૧૮૨૪ પાઉચનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના પાઉચનો જથ્થો તેમજ પિકઅપ વાન અને એક મોબાઈલ ફોન સહિત ૪,૮૨,૯૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ વાનના ચાલક પંકજ પારગીની અટકાયત કરી હતી. પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અશોક પ્રજાપતિ (ગીરવર ગામ, આબુરોડ, સિરોઈ)એ તેને આ દારૂનો જથ્થો પિકઅપ વાનમાં ભરાવી આપ્યો હતો અને તે વડુ પેટ્રોલપંપ પર પહોંચી અશોકભાઈ ફોન કરીને સુચના આપે તે વ્યકિતને આપવાનો હતો. આ વિગતોના એલસીબી પોલીસે વડુ પોલીસ મથકમાં પકંજ પારગી અને અશોક પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી અશોકને વોન્ટેડ જાહેર કર્યો હતો.