વડોદરા, તા.૫ 

શહેર નજીક ધનિયાવી ગામ પાસેથી પોલીસને જાેતા જ ફરાર થઈ રહેલા ખેપિયાની કારને પકડવા માટે જિલ્લા પોલીસ અને કારચાલક વચ્ચે પકડદાવના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. જાેકે પોલીસે પીછો કરતા કારચાલક અને તેની સાથે બેઠેલા ખેપિયાએ કારને છોડીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કારચાલક ઝડપાયો હતો જયારે ખેપિયો ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ દારૂનો જથ્થો વડોદરાના કુખ્યાત બુટલેગર વિક્રમ ચાવડાએ આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે વિક્રમ ચાવડા અને તેના ફરાર સાગરીત ખેપિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

જિલ્લા પોલીસની એલસીબીની ટીમને ગત સાંજે માહિતી મળી હતી કે એક સફેદ રંગની સ્વીફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને અલ્હાદપુરાથી ધનિયાવી ગામ થઈ વડોદરા શહેરમાં જવાની છે. આ માહિતીના પગલે પીઆઈ ડી બી વાળા સહિતના સ્ટાફે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને માહિતી મુજબના નંબરવાળી સ્વીફ્ટ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે કારને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો. જાેકે પોલીસને જાેતા જ સ્વીફ્ટ કારને ચાલક જયદિપ કનુભાઈ દરબાર (આજવારોડ શિવશક્તિ મોહલ્લો)એ તેની કાર ધનિયાવી ગામ તરફ પુરઝડપે ભગાવતા પોલીસે કારનો પીછો કર્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ જશે તેમ લાગતા જયદિપે અલ્હાદપુરાથી ધનિયાવી વચ્ચેના કાચા રસ્તામાં કાર ઉભી રાખી હતી અને તેણે તેમજ તેની સાથે બેઠેલા ગણેશ ભટ્ટે કારમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં જયદિપ ઝડપાયો હતો જયારે ગણેશ ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા ૭૨ હજાર રૂપિયાની વિદેશી દારૂની ૧૪૪ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ કાર અને એક મોબાઈલ ફોન સહિત ૨,૭૨,૫૦૦ની મત્તા જપ્ત કરી જયદીપની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો વડોદરાના કુખ્યાત બુટલેગર વિક્રમ ચાવડા (ઉકાજીનું વાડિયુ, વાઘોડિયારોડ,વડોદરા)એ રામપુરા ભીલોડિયા ગામથી કારમાં ભરાવી આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે વિક્રમ ચાવડા અને તેના ફરાર સાગરીત ગણેશ ભટ્ટને વોન્ટેડ જાહેર કરી બંનેની શોધખોળ શરૂ કરી છે.

વિક્રમ ચાવડાનું જિલ્લા બહારથી વડોદરામાં દારૂ ઘુસાડવાનુ નેટવર્ક

નામચીન વિક્રમ ચાવડા લાંબા સમયથી વાઘોડિયારોડ પર આશાપુરી માતાના મંદિર પાસે વિદેશી દારૂનો ધંધો કરતો હતો. સ્થાનિક પોલીસે આંખ આડા કાન કરતા થોડાક સમય અગાઉ સ્ટેટ વીજીલન્સની ટીમે તેના અડ્ડા પર પાડેલા દરોડામાં વિક્રમ ચાવડા પાસેથી મળેલી એક લાલ રંગની ડાયરીમાં અનેક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના હપ્તાની નોંધ હોવાની વાતે ભારે ચકચાર મચી હતી. જાેકે આ લાલ ડાયરી પ્રકરણમાં કોઈક કારણસર ભીની સંકેલાતા મામલો રફેદફે થયો હતો. અત્રે પોલીસની ધોંસ વઘતા વિક્રમે વડોદાર જિલ્લા બહારથી વડોદરામાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક શરૂ કર્યું છે પરંતું શહેર પોલીસ નિષ્ક્રીય રહેતા આખરે એલસીબીના દરોડામાં તેનો પર્દાફાશ થયો છે.