વડોદરા

હાલમાં જ વડોદરા શહેરના વોર્ડ નંબર નવમાં સમાવવામાં આવેલ ઉંડેરા ગામમાંથી વિશાળ વરસાદી પાણીનો કાંસ છે. જે બાજવા તળાવ થઈને ઉંડેરા તળાવમાં આવે છે અને ત્યાંથી પાદરા તરફ વહે છે. આ કાંસ ઊંડેરા પીપળાવડા ફળિયા તરફ જતા રસ્તાની લગોલગ આવેલ હોઈ આ વરસાદી પાણીના ખુલ્લા કાંસ (ખુલ્લી ગટર)માં અનેક વખત શાળાના બાળકો ,રાહદારી તેમજ અસંખ્ય ગ્રામજનો અકસ્માતે આ ખુલ્લા કાંસમાં પડવાથી ગંભીર રીતે ઘાયલ થયેલ છે. આ સ્થળે હાલમાંજ ગેસ ડિલિવરી આપતો એક થ્રી વિલ ટેમ્પો બોટલ સાથે આ ખુલ્લી કાંસમાં પડવાથી એનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.ત્યારે આ સંદર્ભમાં સામાજિક કાર્યકર જાેગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે, ઊંડેરા ગામનો હાલમાં જ વડોદરા શહેરમાં સમાવેશ થયો છે. હવે આ વિસ્તારની પ્રાથમિક સુવિધાની તમામ જવાબદારી વડોદરા મહાનગર સેવા સદનના હસ્તક છે. કોર્પોરેશનના અધિકારીઓને આ અકસ્માતના ફોટાઓ તેમજ વિડિયો મોકલીને જણાવ્યું છે કે, આ ખુલ્લા કાંસને બંધ કરવામાં આવે અથવા હંગામી ધોરણે તાત્કાલિક રોડ અને કાંસની વચ્ચે રક્ષણને માટે દીવાલ બનાવવામાં આવે. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને નિવારી શકાય. આ કાંસમાં બારે માસ ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો પણ ખૂબજ ઉપદ્રવ હોઈ આ વિસ્તારમાં ઘરે ઘરે લોકો બીમારીઓમાં પટકાયેલા રહે છે. જેથી આ કાંસને સત્તાધીશો સ્વતરે યોગ્ય ટેકનિકલ સલાહ મુજબ બનાવી આવા ગંભીર અકસ્માતોને નિવારી શકે છે. આ ઉપરાંત પણ ઉંડેરા ગામમાં ગટર તેમજ રસ્તાની વિપરીત સમસ્યા છે.જેનો ઉકેલ લાવવો જરૂરી છે.