અમદાવાદ : એચ એસ આર પી નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહન ચાલકો હવે ચેતી જજો. ક્યાંક ઇ મેમો કે કોઈ ગુનો આચરીને પોલીસથી બચવા તો પ્રયત્ન કર્યો તો ખેર નથી. કારણ કે હવે પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ દંડથી નહી પરંતુ ગુનો નોંધીને કાર્યવાહી કરશે. છેલ્લા કેટલાક વર્ષથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે ઇ મેમો આપવાની સખ્ત કાર્યવાહી શરૂ કરતા જ વાહન ચાલકો દંડની રકમથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરવા લાગ્યા છે. કોઈ વાહન ચાલક નંબર પ્લેટનો એક આંકડો વાળી દે, કોઈ સેલોટોપ લગાવી દે કે કોઈ વાહન ચાલક કપડું બધી દેતા હોય તેવું નજરે પડ્યું છે. એટલે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવા માટે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે માત્ર દંડ વસૂલવામાં આવતો હતો. જો કે આગામી દિવસોમાં આવા વાહન ચાલકો વિરુદ્ધમાં ગુનો પણ નોંધવામાં આવશે. અને તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તાર માં ડ્રાઈવ પણ રાખવામાં આવશે. કેટલાક વાહન ચાલકો પોતે આચરેલા ગુનાથી બચવા માટે પણ નંબર પ્લેટ સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે. એટલે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇને આ પ્રકાર નો ર્નિણય લેવામાં આવ્યો છે.