વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની તા.ર૧મીએ યોજાનાર ચૂંટણી માટે આવતીકાલે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે, તે પૂર્વે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જાેર લગાવી દીધું છે. જાે કે, આવતીકાલે પ્રચારના આખરી કલાકોમાં મોટાભાગના રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો સમર્થકો સાથે તેમના વોર્ડમાં રેલીઓ યોજીને શક્તિપ્રદર્શન કરશે.

વડોદરા પાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર ૨૭૯ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અને તમામ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે પણ અનેક ઉમેદવારોએ તેમના સમર્થકો-ટેકેદારોની સાથે બાઈક-સ્કૂટર રેલી યોજીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

 ચૂંટણીપંચની જાેગવાઈ મુજબ આવતીકાલે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યાર બાદ જાહેર સભા કે પ્રચાર થઈ શકશે નહીં. પરંતુ ઉમેદવારો અને કાર્યકર્તાઓ વ્યક્તિગત સંપર્ક સહિતની પ્રચાર કામગીરી કરી શકશે. હવે ઉમેદવારો પાસે જાેરશોરથી પ્રચાર માટે ગણતરીના કલાકો જ રહ્યા છે ત્યારે પ્રચારનો ધમધમાટ જાેવા મળશે અને મોટાભાગના ઉમેદવારો તેમના વોર્ડમાં સમર્થકો સાથે સ્કૂટર-બાઈક રેલીઓ યોજીને શક્તિપ્રદર્શન સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે મતદાન સમાપ્ત થાય તેના ૪૮ કલાક પૂર્વે આચારસંહિતાના ભાગરૂપે પ્રચારના પડઘમ શાંત થઈ જાય છે. જાે કે, હાલ સોશિયલ મીડિયાના જમાનામાં મહત્તમ ઉમેદવારો પ્રચાર માટે આ માધ્યમનો ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ટ્‌વીટર, વોટ્‌સએપ જેવા નેટવર્કિંગના માધ્યમથી જાેરશોરથી પ્રચાર આખરી સમય સુધી જારી રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જાેવા મળ્યો હતો.