ગાંધીનગર-

રાજ્યના નાગરિકોને સુરક્ષા સહિતની વિવિધ યોજનાઓના લાભો ઘરઆંગણે પૂરા પાડવા માટે ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યુ છે. ગુડ ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. દેશના તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં સંચાલિત સી.સી.ટી.એન.એસ એપ્લીકેશન અંતર્ગત ગુજરાતના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લીકેશને પ્રથમ ક્રમ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ઓનલાઇન સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી.કિશનરેડ્ડીના હસ્તે એનાયત થયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારના આયોજનના પરિણામે સફળતા મળી છે. રાજ્યના નાગરિકોને સુદ્રઢ સલામતી અને વિવિધ જનહિતલક્ષી યોજનાઓના લાભો ઇ-ગુજકોપના સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લિકેશન મારફતે પોલીસની અનેક સેવાઓ નાગરિકોને ઘેર બેઠાં ઓનલાઇન આપવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઇ.આર.ની કોપી, ગુમ થયેલી વ્યક્તિની માહિતી, બિન વારસી મૃતદેહની માહિતી, ભાડુઆત, ઘરઘાટી, સિનીયર સીટીઝનની નોંધણી, નાગરિકોના વાંધા પ્રમાણપત્ર, પોલીસ વેરીફિકેશનની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઇ-ગુજકોપના પોકેટકોપ પ્રોજેક્ટ અંતર્ગત તમામ તપાસ અધિકારીઓ માટે મોબાઇલ અપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જે ગુન્હા શોધવા અને અટકાવવા ખૂબ જ મદદરૂપ નિવડી રહી છે. વાહન સર્ચ એપ્લિકેશન દ્વારા ગુજરાત પોલીસે 5000 ચોરાયેલા વાહનો શોધી કાઢયા છે. ગુન્હેગાર સર્ચ એપ્લિકેશન દ્વારા 7000થી વધુ ગુન્હેગારોને શોધીને તેઓના વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પાસપોર્ટ વેરીફીકેશન દ્વારા નાગરિકોનું ઘરે બેઠા પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં આ એપ્લિકેશન મારફતે 16 લાખ નાગરિકોનું પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે.