અમદાવાદ-

ગુજરાતમાં શનિવારથી વ્યાપક રીતે વેકસીનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વેકસીનને અસર કરતા દોઢ માસનો સમય લાગશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે વેકસીનના પ્રથમ ડોઝ બાદ 29માં દિવસે બીજો ડોઝ અપાશે. તેના 14 દિવસ બાદ 45માં દિવસથી વેકસીનની અસરની શરુઆત થશે. વેકસીન લેનારની રોગપ્રતિકારક શક્તિ વધશે. તે કોરોનાથી ભયમુક્ત રહેશે. એટલું જ નહીં પણ તે વ્યક્તિ કોરોના ફેલાવી પણ નહીં શકે. કોરોનાના એક ડોઝ બાદ 'મને કંઈ નહીં થાય' એવું લોકોએ ન માનવું તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

રાજયમાં 287 બુથ કોરોના રસીકરણ માટે સજજ છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જેમાં પોલીસ, સફાઈ કર્મચારી અને કોવિડની ડયુટીમાં ડાયરેકટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાકથી વધુ કોવિડ કર્મચારીઓને વેકસીનનો ડોઝ પહેલા અપાશે. આ સિવાય 50 વર્ષથી વધુ વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેકસીનેટર તરીકેની વિશેષ ટ્રેનીંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યમંત્રીઓને સૂચન કર્યું હતું કે, વેકસીનેશનનો સમગ્ર પ્રોગ્રામ ભારત સરકાર કરશે, ખર્ચો પણ ભારત સરકાર ભોગવશે. જેથી રાજયો પોતપોતાની રીતે વેકસીનનું આયોજન ન કરે. ભારત સરકાર તમામ વ્યવસ્થા કરશે. હાલ દુનિયામાં કેટલીક વેકસીનનું ટ્રાયલ ચાલુ રહ્યું છે. હજુ વધુ વેકસીન બજારમાં આવી શકે છે. જેથી તેના ભાવ પણ ઘટી શકે છે.