૬૮ વર્ષીય વૃદ્ધ દર્દી ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને વારસિયા રિંગ રોડ પર આવેલ આદર્શ પ્રા.શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન કર્યા બાદ શહેરીજનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. જાે કે, તેઓને સમયસર વ્હીલચેર ન મળતાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી. મતદાન મથકો ઉપર દર્દીઓ અને દિવ્યાંગો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા હતા. ચૂંટણીતંત્ર દ્વારા સબ સલામતના દાવા પોકારી તમામ આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી.

વારસિયામાં મતદાન કરવા માટે મત આપવા માટે આવેલ દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા ધરાવતા હોવાથી તેઓને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર સાથે મતદાન મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં વ્હીલચેર ન મળવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તેમના પુત્ર તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા ઋત્વિજ જાેશીએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યકત કર્યો હતો.

ઓળખપત્ર ફરજિયાત છતાં બોગસ વોટિંગની સંખ્યાબંધ ફરિયાદો સામે આવી

ચૂંટણીમાં મતદાન કરવા જનાર વ્યક્તિનું ઓળખપત્ર ફરજીયાત રજુ કર્યા પછીથી જ મતદાન આપવા દેવામાં આવે છે.તેમ છતાં રાજકીય પક્ષોની સાઠગાંઠ અને દબાણને લઈને મોટા પ્રમાણમાં બોગસ વોટિંગ થયાની ફરિયાદો ઉઠવા પામી છે.કેટલાક વિસ્તારોમાં તો બાહુબલી નેતાઓ દ્વારા વિદેશમાં રહેતા એનઆરઆઇની ગેરહાજરીમાં તેઓના નામે મતદાન કરાવી દેવામાં આવ્યું છે.તો ક્યાંક મતદાર મતદાન કરવા ગયો ત્યારે ખબર પડી છે કે એના નામે કોઈ મતદાન કરી ગયું છે.આવો કિસ્સો સુરસાગર ખાતે આવેલ મ્યુઝિક કોલેજમાં બનવા પામ્યો હતો.જ્યાં એક મહિલાના નામે કોઈ બોગસ મતદાન કરી ગયું હતું.