વડોદરા : કરજણ બેઠકની પેટાચૂંટણીની આવતીકાલે પોલિટેકનિક ખાતે હાથ ધરાનાર મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણ અને કોવિડ-૧૯ની તકેદારી સાથે કરાવવા ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર સુસજ્જ થયું છે અને તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે. ૩૧૧ બૂથની મતગણતરી ર૯ જેટલા રાઉન્ડમાં પૂર્ણ કરાશે. એટલે કે બપોરે ૧ વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. તા.૩ નવેમ્બરે યોજાયેલી કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ર.૦૪ લાખ મતદારો પૈકી ૧.૪૩ લાખ મતદારોએ મતદાન કરતાં ૭૦.૦૧ ટકા મતદાન થયું હતું. આવતીકાલે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે ચૂંટણીપંચના નિરીક્ષક સાથે મતગણતરી કેન્દ્રની સીસીટીવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે મતગણતરી વ્યવસ્થાનું નિરીક્ષણ નાયબ પોલીસ કમિશનર દીપક મેઘાણી અને જિલ્લા પોલીસવડા સાથે કર્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જાેશી અને કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.આર.પટેલ દ્વારા મતગણતરીની વ્યવસ્થાઓ કોવિડની તકેદારીઓ સાથે કરવામાં આવી છે. પોલિટેકનિકમાં મતગણતરીના વિસ્તારને સતત સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ગણતરી કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ અને ઉમેદવારો તેમના એજન્ટ સહિત તમામ સ્ટાફને માસ્ક પહેરવું અનિવાર્ય છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ઈવીએમની મતગણતરી માટે બે અને પોસ્ટલ બેલેટના મતોની ગણતરી માટે એક મળીને ત્રણ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક ખંડમાં ૭ અને બીજા ખંડમાં ૪ તેમજ ટપાલ મતવાળા ખંડમા બે ટેબલ રાખવામાં આવ્યા છે. સીસીટીવી અને વીડિયોગ્રાફી સાથે મતગણતરી કરવામાં આવશે. કાઉન્ટિંગના તમામ ટેબલો પર કેમેરા લગાવવામાં આવ્યા છે જે ઉમેદવારોના એજન્ટોને કાઉન્ટિંગ યુનિટમાં ડિસ્પ્લે થતાં મતટીવી સ્ક્રીન પર દેખાશે. 

 સત્તાધારી પક્ષની તરફદારીની રજૂઆત

કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન તેમજ મતદાનના દિવસે ભાજપાના કાર્યકર દ્વારા રૂપિયા વહેંચતો વીડિયો તેમજ કોંગ્રેસના એક કાર્યકરને બૂથ પરથી બોલાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવો, ચૂંટણીના પાંચ દિવસ પહેલાં રૂા.રપ લાખ લઈ જતી કાર સાથે એક વ્યક્તિ પકડાયો હતો વગેરે બનાવોમાં ઈલેકશન કમિશનર ઓફ ઈન્ડિયાના ગુજરાત ખાતેના અધિકારીઓ સત્તાધારી પક્ષની તરફદારી કરી પક્ષપાતી વલણ હોવાની ફરિયાદ શહેર કોંગ્રેસના પ્રવક્તાએ કરી છે.