આણંદ  : અમૂલ ડેરીની ચૂંટણીમાં ધારાસભ્યો સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે જંગ જામ્યો હતો. અમૂલની ચૂંટણીમાં પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપના રામસિંહ પરમાર પ્રેરિત પેનલનો વિજય થયો હોવાથી પુનરાવર્તન થતું જોવા મળ્યું હતું. હવે બોર્ડના સભ્યો ચૂંટાઈ ગયાં છે ત્યારે ચૂંટાયેલા સભ્યોમાંથી અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટવામાં આવશે.  

આ બાબતે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવા માટે લેખિતમાં જાણ કરવામાં આવશે. ત્યારબાદ જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આગામી ૧૦ દિવસમાં ચૂંટણી યોજવાની હોય છે. બીજી તરફ અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન કોણ બનશે તેની પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં દિગ્ગજો મેદાને આવે તેવી પૂરી શક્યતાઓ છે , જેથી જિલ્લા સહિત રાજયના સહકાર ક્ષેત્રના દિગ્ગજોની નજર પણ આ ચૂંટણી પર રહેશે એમાં બે મત નથી.

અમૂલની ચૂંટણીમાં હારી જતાં ત્રણને ધમકી

વિખ્યાત આણંદના અમૂલ ડેરીના નિયામક મંડળીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં બાલાસિનોરના પાલીખંડાનો શખસ હારી જતાં દુધેલીયાના પ્રૌઢને ત્રણ શખસે લાકડી સાથે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયાની ફરિયાદ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. બાલાસિનોરના દુધેલીયા ગામે રહેતાં રમણભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, ૨૮ ઓગષ્ટના રોજ આણંદ ખાતેની અમૂલ ડેરીમાં નિયામક મંડળીની ચૂંટણીના ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ હારી ગયા હતા. જેની અદાવત રાખી ૧લી સપ્ટેમ્બરના સાંજના હારેલા ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ, પ્રવીણ ચૌહાણ, પુષ્પક ચૌહાણે લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે આવી કહેવા લાગ્યા કે, અમોએ વોટ આપવા માટે પૈસા આપ્યા હતા. તે પૈસા પાછા આપી દો, તમે મને વોટ આપ્યા નથી એટલે ચૂંટણીમાં હારી ગયો છું તેમ કહી ગાળો બોલી ઝપાઝપી કરી ધમકી આપી હતી.

ખેડા જિલ્લા પોલીસના પ્રોજેક્ટ યોગપ્રહરી-૫નો પ્રારંભ થશે

નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા પોતાની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ૧૧મી મે ૨૦૨૦થી પ્રોજેક્ટ યોગ પ્રહરીનો પ્રારંભ કર્યો હતો. નિયમિત પ્રાણાયમ કરીને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાના આ પ્રોજેક્ટમાં મોટીસંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં. યોગ પ્રહરી ૧માં ૩૬ અધિકારીઓએ, યોગ પ્રહરી - ૨ માં ૫૨૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ, યોગ પ્રહરી - ૩ માં ૭૨૧ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ અને યોગપ્રહરી - ૪ માં ૧૨૭૬ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો હતો. ૨૮૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ૧૦૦ ટકા જ્યારે ૬૬૬ અધિકારીઓ – કર્મચારીઓએ ૭૫ ટકા સફળતા પ્રાપ્ત કરી હતી. તા.૭મી સપ્ટેંબરથી ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીના ૧૦૦ દિવસ માટે યોગપ્રહરી-૫ લોન્ચ કરાશે.