વડોદરા : વૃદ્ધ એનઆરઆઈના એક કરોડની કિંમતના ફલેટ પચાવી પાડવાના મામલામાં વડોદરા પોલીસે સહકાર નહીં આપવા છતાં હિંમત નહિ હારેલા એનઆરઆઈ જાપાનનું રેસિડેન્ટ કાર્ડ ધરાવતા હોવાથી જાપાન એમ્બેસીને મદદ માટે ઈ-મેઈલ કર્યો હતો, જેના જવાબમાં એમ્બેસીએ વસીમભાઈને મદદની ખાતરી આપી હતી. આ અંગે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવશે એમ જણાવ્યું છે.

પ્રતાપનગર ના રાફિયા પાર્કમાં બે ફલેટ બુક કરાવી પૂરેપૂરી રકમ બિલ્ડરને ચૂકવ્યા બાદ દસ્તાવેજ થયો હોવા છતાં વસીમભાઈ જાપાનવાળા નામના ૮૦ વર્ષીય વૃદ્ધને ફલેટનું પઝેશન નહીં આપતાં આ વિસ્તારના માથાભારે જગ્ગુ નામના બિલ્ડરની મદદ માગવામાં આવી હતી. જગ્ગુએ મદદ માટે પાવર ઓફ એટર્ની લેવાને બહાને ગુજરાતી નહીં જાણતાં વસીમભાઈ પાસેથી સેલડીડ લખાવી દીધું હતું. આ અંગેની ફરિયાદ વાડી પોલીસ મથકે આપતાં પોલીસે વૃદ્ધ એનઆરઆઈને ન્યાય અપાવવાને બદલે ‘ઊલટા ચોર કોટવાલ કો ડાટે’ જેવું કરી એની સામે જ એફઆઈઆર દાખલ કરી દીધી હતી અને વૃદ્ધને પૂરી દીધો હતો. અંતે હાઈકોર્ટે વૃદ્ધ સામે કાર્યવાહી નહીં કરવા મનાઈહુકમ આપ્યો હતો. હાલમાં ‘ગુજસીટોક’ની શહેર પોલીસે કરેલી કાર્યવાહીને પગલે વૃદ્ધ એનઆરઆઈએ પોલીસ કમિશનરને રૂબરૂ મળી મિલકત પચાવી પાડનાર અને બિચ્છુગેંગના સાગરિક મનાતા જગ્ગુ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. આ અંગે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે જાપાન એમ્બેસીની મદદ માગવામાં આવી હતી. જાપાનની લાંબા સમયથી રેસિડેન્સીસ કાર્ડ ધરાવતા વસીમભાઈના ઈ-મેઈલના પગલે જાપાન એમ્બેસીએ વળતો ઈ-મેઈલ કરી મદદની ખાતરી આપી છે અને આ મામલા અંગે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને જાપાન એમ્બેસી રજૂઆત કરશે એમ જણાવ્યું છે. પરિણામે વૃદ્ધ એનઆરઆઈને હવે ન્યાયની આશા જાગી છે.