વડોદરા/હાલોલ : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલ હાલોલના શાહ પરિવારની ૧૭ વર્ષીય કિશોરીના હાર્ટ, ફેફસાં, બે કિડની, બે નેત્રો અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્ટને દિલ્હી, ફેફસાં મુંબઈ હવાઈ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું ૬.૮ કિ.મી.નું અંતર ૮ મિનિટમાં કાપ્યું હતું અને અંગોને હરણી વિમાન મથકે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે કિડની અને લીવરને પણ પોલીસે વડોદરાથી અમદાવાદ ૧૩૦ કિ.મી.નો ગ્રીન કોરીડોર બનાવી અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એક સાથે સાત અંગોનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. 

પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પર આવેલ સનસિટી સોસાયટીમાં નીરજભાઈ શાહ પરિવાર સાથે રહે છે. સંતાનોમાં એક પુત્રી નંદિની (ઉં.વ.૧૭), પુત્ર જય છે. પુત્રી નંદિની શાહ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી, જ્યારે પુત્ર જય શાહ ધો.૧૦માં અભ્યાસ કરે છે. જ્યારે તેઓની માતા ક્રીમાબેન શાહ બ્યુટી પાર્લર ચલાવે છે. ગત તા.૧૮મી ડિસેમ્બરની રાત્રે પુત્રી નંદિનીની તબિયત અચાનક લથડતાં તેણીને માતા-પિતા સારવાર માટે હાલોલ ખાતેની સ્થાનિક હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતેની વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી સવિતા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબી સ્ટાફે પુત્રી નંદિનીની સઘન સારવાર હાથ ધરી હતી પરંતુ તેણીને બુધવારની સાંજે બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. પુત્રી નંદિનીને સવિતા હોસ્પિટલના તબીબ ડો. તરંગ શર્માએ બ્રેનડેડ જાહેર કર્યા બાદ પુત્રીના અંગોનું દાન કરવા માટે હોસ્પિટલની કાઉન્સિંગ કરતી ટીમ દ્વારા નંદિનીના માતા-પિતાને સમજાવવામાં આવતાં તેઓ અંગદાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જેથી હોસ્પિટલ દ્વારા અંગો સમયસર સ્થળે પહોંચે એ માટેની તૈયારીઓ શરૂ કરી હતી અને આ માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસતંત્રની મદદ લેવાઈ હતી.

શહેર ટ્રાફિક પોલીસની ભૂમિકા સરાહનીય

પુત્રી નંદિનીના અંગદાન બાદ તેના ઓર્ગનને સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની મદદ લેવાઈ હતી. શહેરની ટ્રાફિક પોલીસે કોરીડોર કરી સવિતા હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું ૬.૮ કિ.મી.નું અંતર માત્ર ૮ મિનિટમાં કાપી હાર્ટ અને ફેફસાંનો ઓર્ગનને એરપોર્ટ પહોંચાડયા હતા, જ્યારે કિડની, લીવર અને નેત્રોને વડોદરાથી અમદાવાદ ૧૩૦ કિ.મી.નો ગ્રીન કોરીડોર બનાવી માત્ર ૮પ મિનિટમાં અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં શહેર પોલીસતંંત્રન એએસઆઈ રમેશભાઈ, એએસઆઈ વિજયભાઈ, હે.કો. પ્રકાશભાઈ, ડ્રાઈવર રફીકભાઈ, પ્રજ્ઞેશભાઈ જાેડાયા હતા.

કિડની, લીવર અમદાવાદ, જ્યારે નેત્રદાન સયાજી હોસ્પિટલમાં

કિશોરી નંદિનીના અંગદાન માટે વાલી તૈયાર થયા બાદ સવિતા હોસ્પિટલના વહીવટી વિભાગના ડો. તરંગ શર્માએ હાર્ટ, ફેફસાં, કિડની અને નેત્રના દાન માટે સંબંધિત વિભાગીય વડાઓનો સંપર્ક કર્યો હતો. તે બાદ દિલ્હી એઈમ્સની ટીમ હાર્ટ માટે અને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલની ટીમ ફેફસાં માટે વડોદરા આવી પહોંચી હતી. નંદિનીના શરીરમાં સર્જરી કરી હાર્ટ અને લંગ્સ (ફેફસાં) સહીસલામત બહાર કાઢયા હતા. ત્યાર બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરીડોર કરી સવિતા હોસ્પિટલથી હરણી એરપર્ટો ૬.૮ કિ.મી. અંતર ૮ મિનિટમાં કાપી બે ઓર્ગન પહોંચ્યા હતા. જેમાં હાર્ટના ઓર્ગનને ઈન્ડિગો ફલાઈટમાં દિલ્હી અને લંગ્સ (ફેફસાં)ન ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી મુંબઈ મોકલવામાં આવ્યા હતા. જ્યારે કિડની અને લીવરને ગ્રીન કોરીડોર બનાવી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે નેત્રદાન શહેરની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.

સંસ્થાઓએ પણ આગળ આવવું જાેઈએ : ડો.મિતેશ શાહ

વડોદરામાં હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ માટે સૌ પ્રથમ અંગદાન કરાયું છે એ સવિતા હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. મિતેશ શાહે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું છે કે, ‘અંગદાન’ ઓર્ગનડોનેટની હાલ દેશમાં તાતી જરૂરિયાત છે. શહેર કે આસપાસમાં કોઈને પણ અંગદાન કરવું હોય તો સવિતા હોસ્પિટલનો દિવસ-રાત દરમિયાન ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. દેશમાં હાલ લીવર માટે ૬૦૦, હાર્ટ માટે ૭૦૦, કિડની માટે ર૦૦૦ જેટલું વેઈટિંગ લિસ્ટ છે. જેમાં હાલમાં કોરોનાને કારણે ફેફસાંની પણ ડિમાન્ડ વધી છે. બેનડેડ વ્યક્તિના અંગદાનથી એક નહીં ચારથી પાંચ લોકોને નવજીવન મળે છે. એ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સંસ્થાઓએ પણ આગળ આવવું જાેઈએ.

ઓર્ગનને પહોંચાડવામાં ભારે જહેમત ઉઠાવી ઃ ડો. તરંગ શર્મા

વડોદરા. સવિતા હોસ્પિટલના વહીવટી વિભાગના વડા ડો. તરંગ શર્માએ અંગદાન માટે માતા-પિતાને તૈયાર કરવા ઉપરાંત ડોનેટ કરાયેલા ઓર્ગનને યોગ્ય સ્થળે પહોંચાડવામાં ભારે જહેમત ઉઠાવી હતી. દીકરીના અંગોને દાન કરાવવા માટે કાઉન્સેલિંગ કર્યા બાદ એ તૈયાર થતાં જ દિલ્હીની એઈમ્સ, મુંબઈની ફોર્ટિસ અને અમદાવાદની આઈકેડી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને સ્થાનિક તંત્ર, પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી એકસાથે સાત અંગો પહોંચાડવા માટે સતત ર૦ કલાક ખડેપગે રહ્યા હોવાનું જણાવી ડો. તરંગ શર્માએ પોતે આ કામમાં સહભાગી રહ્યા એનો આનંદ વ્યક્ત કર્યો હતો.