ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા ગુજરાત કોંગ્રેસનાં સંગઠનના હોદ્દેદારો અને શહેર - જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજ્યના નવનિયુક્ત શહેર- જિલ્લા પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા પણ પક્ષના પ્રદેશ સંગઠનને મજબૂત બનાવવા નવા હોદ્દેદારો અને શહેર - જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી છે. આ નવી નિમણૂકો કરવામાં આવ્યા બાદ આજે અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી ડોં. રઘુ શર્માની અધ્યક્ષતામાં નવ નિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી ડોં. રઘુ શર્મા દ્વારા નવ નિયુક્ત શહેર - જિલ્લા પ્રમુખોને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિજળી સરપ્લસ હોવાના સરકારના દાવા ખોટા  કોંગ્રેસ

ગુજરાતમાં વીજળી સરપ્લસ હોવાના સરકારના દાવાઓ ખોટા છે તેમ કોંગ્રેસનાં પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, રાજયમાં વીજળી સરપ્લસ હોય તો સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનું વચન પૂર્ણ કરવામાં આવે તેવી પણ તેમણે માંગણી કરી છે. ગુજરાતમાં વીજળી સરપલ્સ હોવાના દાવાઓ છાસવારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં રાજ્યના ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી હોવાના પણ દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ખેડૂતો દ્વારા દિવસે વીજળી પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. આ સંજાેગોમાં કોંગ્રેસનાં પ્રવકતા ડો. મનીષ દોશીએ રાજ્યમાં વીજળીની ઘટ અંગે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા છે.

રાજકોટ અને અમરેલી ખાતે પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી કામગીરીને વધુ વેગવંતી બનાવી છે. ભાજપ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે ઝોન વાઇઝ પ્રશિક્ષણ શિબિર શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ અને અમરેલી ખાતે સૌરાષ્ટ્ર વિભાગની સંગઠનની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના સંગઠનને પણ મજબૂત બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા શરૂ કરાયેલી સંગઠનાત્મક તૈયારીઓમાં ઝોન વાઇઝ બેઠકો અને પ્રશિક્ષણ શિબિર યોજવાનું શરૂ કરી દીધું છે.

શિક્ષણ મુદ્દે આપ અને ભાજપ આમને સામને

ગુજરાત પ્રદેશ ગોપાલ ઈટાલીયાએ સવિનય સાથે જણાવ્યુ હતુ કે, દિલ્હી સરકારના શિક્ષણમંત્રી મનિષ સીસોદિયાએ શિક્ષણ વિશે જાહેર ચર્ચા કરવા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાધાણીને ચેલેન્જ આપેલી હતી પરંતુ જીતુભાઈએ આ ચેલેન્જ સ્વીકારી નથી.ત્યારે દિલ્હી સરકારના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા વતી ગોપાલઈટાલીયાએ જીતુભાઈને દિલ્હીની સરકારી શાળાઓ જાેવા માટે પુરા માન-સન્માન, આદર, સત્કાર અને પ્રોટોકોલ સાથે દિલ્હી રાજ્યના વિધાનસભાના કોઈપણ ક્ષેત્રની કોઈપણ સરકારી સ્કુલની વિઝીટ કરવા પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને ફુલનો બુકે તેમજ આ આમંત્રણ પત્રીકા સન્માન સાથે પાઠવશે.