વડોદરા : વડોદરા શહેરમાંથી માસ્કના નામે સામાન્ય માનવીઓ પાસેથી એક એક હજાર જેટલો જંગી દંડ લેનાર સમગ્ર સરકારી તંત્રના પેટમાં રહેલું પાપ આજે નાતાલના તહેવારોના પ્રથમ દિવસે જ છાપરે ચઢીને પોકારી ઊઠ્‌યુ છે. પોલીસ અને તંત્રની હાજરીમાં ખુલ્લે આમ કોવિદ-૧૯ના નિયમોનો સરેઆમ ભંગ કરનાર રાજકીય સત્તાધારી પક્ષ સામે પગલાં લેવાને બદલે તાળીઓ વગાડતા અને હામા હા પુરાવતા અધિકારીઓને માટે મોટા કરે એ લીલા અને નાના કરે એ પાપ-ગુનો ગણાય છે. એ વાતને સાબિત કરતી ઘટના શહેરના ઈનઓર્બીટ મોલ ખાતે બનવા પામી છે. જ્યાં આજે નાતાલના તહેવારોના પ્રથમ દિવસે મોલમાં ભારે ભીડ એકત્ર થવા છતાં એને નિયંત્રણમાં રાખવાને માટે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. બલ્કે આ સમગ્ર બાબતમાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા તંત્રની બેધારી નીતિ અને કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ મોલની ભીડથી તંત્ર અને પોલીસ માહિતગાર હોવા છતાં મોલને સીલ મારવાની કે બંધ કરાવવાની કાર્યવાહી કરવાને બદલે તમાસો જાેઈ રહેવામાં મસ્ત હોવાનું આમ નાગરિકોમાં ચર્ચાતું હતું. આ મોલમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ ભીડને નિયંત્રિત કરવાને માટે કોઈ પગલાં ન લેતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા ઉડયા હતા. મોલમાં પ્રવેશ્યા પછીથી મોબાઈલમાં સેલ્ફીઓ ખેંચવાને માટે વ્યસ્ત બનેલાઓના મોઢા પરથી માસ્ક પણ હટી ગયા હતા. આને કારણે આગામી દિવસોમાં શહેરમાં કોરોના ફેલાવવાનો ભય ઈનઓર્બીટ મોલના સંચાલકોની લાપરવાહીને કારણે ઉભો થશે એમ બુધ્ધીજીવીઓમાં ચર્ચાતું હતું. આ ઈનઓર્બીટ મોલમાં બપોરના સમયથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જેમાં મોટાભાગના યુવાનો હતા. આ મોલમાં નાતાલના તહેવારને લઈને કરાયેલા ભભકાદાર ડેકોરેશનને જાેવાને માટે અને એમાં સેલ્ફી ખેંચવાને માટે જ મોટાભાગની ભીડ એકત્ર થઇ હતી. જેને રોકવાને બદલે ખુલ્લેઆમ પ્રવેશ આપવામાં આવતા કોવિદ-૧૯ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા દેવામાં આવ્યું હતું. આને કારણે મોલમાં એટલા મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઇ હતી કે, એક બીજાને અંતર રાખીને ચાલવાની જગ્યા ન રહેતા એક બીજાને અડીને ચાલવાને માટે મોટાભાગના મુલાકાતીઓ મજબુર બન્યા હતા. આ ભીડમાં મોટા ભાગના મોલમાં હરવા ફરવાને માટે આવ્યા હોય એવું સ્પષ્ટ જણાતું હતું, કેમ કે મોટાભાગની દુકાનોમાં ગ્રાહકો ભીડના પ્રમાણમાં નહિવત હતા. હજુ આગામી છ-છ દિવસ સુધી નાતાલના તહેવારોની ઉજવણી થનાર છે. ત્યારે તંત્ર આવી ભીડ અટકાવવાને માટે મોટા માથાઓ સામે પગલાં લઈને મોળો બંધ કરાવશે કે દબાણ હેઠળ બે આંખની શરમે ચાલુ રાખીને આગામી દિવસોમાં શહેરમાં કોરોનાના ફેલાવાને માટે નિમિત્ત બનશે? એવો પ્રશ્ન શહેરીજનોના મનમાં ઉઠી રહ્યો છે. તંત્ર હિંમત બતાવીને આવા મોળો નાતાલના તહેવારોમાં બંધ કરાવે અથવા આવી ભીડ એકત્ર કરનાર મોલોને સીલ કરે એવી લોક માગ ઉઠવા પામી છે. સામાન્ય માનવીના ખિસ્સા હળવા કરીને સરકારી તિજાેરીમાં કરોડો જમા કરનાર તંત્ર આટલી મોટી બેદરકારી બદલ ઈનઓર્બીટ મોલ સહિતના મોળો સામે કેવા પગલાં ભારે છે અને કેટલા દંડની વસુલાત કરે છે એના પર સૌની નજર છે.