વડોદરા

ભારતના ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસે ડિજિટલ વોટર કાર્ડ ઇ-એપિકની સુવિધા લોન્ચ કરવામાં આવી છે. જેમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૯-૧૧-૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા ફક્ત નવા મતદારો કે જેમણે પોતાનો યુનિક મોબાઈલ નંબર પૂરો પાડ્યો છે, તેઓ સંબંધિત મોબાઇલ એપ્લિકેશન  વેબસાઇટનો ઉપયોગ કરીને એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

વડોદરા જિલ્લામાં આવા યુનિક મોબાઇલ નંબર ધરાવતા ર૫,૦૮૬ મતદારો છે. વડોદરા જિલ્લા ખાતેના આ ર૫,૦૮૬ મતદારોને ઇ-એપિક ડાઉનલોડમાં મદદરૂપ થવા માટે આવતીકાલ તા.૭ ને રવિવારે તથા તા.૧૩ ને શનિવારે વડોદરા શહેર અને જિલ્લાના પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગમાં બીએલઓ સવારના ૧૦થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે. જેથી આ ર૫,૦૮૬ મતદારો પૈકી જે મતદારોએ ઇ-એપિક ડાઉનલોડ કર્યું નથી તેઓ પોતાના મોબાઇલ સાથે સબંધિત મતદાન મથકની મુલાકાત લઇ પોતાના ઇ-એપિક ડાઉનલોડ કરાવી શકે છે. ર૫,૦૮૬ સિવાયના મતદારો ઇ-એપિક ડાઉનલોડ કરી શકશે નહી. તેઓ માટે હવે પછી આ સુવિધા કાર્યરત કરાશે.

નવા મતદારોએ ઇ-એપિક ડાઉનલોડ કરવા માટે  રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઈટમાં દાખલ થવાનું રહેશે. ત્યાર બાદ એપિક ઓપ્શન પર ક્લિક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવાથી મોબાઈલ નંબર પર એક ઓટીપી નંબર આવશે, જે દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરીને ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. નવા મતદારોને ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરવા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વડોદરાની યાદીમાં જણાવાયું છે.