વડોદરા : દાહોદ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સારવાર અગાઉ તે કોરોના પોઝિટિવ હોવાનું સપાટી પર આવતા તેને કોવિડ પેશન્ટના વોર્ડમાં દાખલ કરાયો હતો. જાેકે ગત રાત્રે ઉક્ત યુવકનું મોત થયા બાદ તેના પરિવારજનોને સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા કોવિડ પેશન્ટન પોલીસ કાર્યવાહી બાદ જ લાશ આપીશું તેમ કહીને વિનાકારણ લાશ નહી સોંપતા ગત રાતથી ગરીબ પરિવાર યુવકના લાશ માટે રઝળપાટ કરી રહ્યો છે. હોસ્પિટલ તંત્રના આડોડાઈથી કંટાળીને યુવકના પરિવારજનોએ સંજેલી પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

દાહોદના મોરવાહડફ ખાતે વંદેલીગામમાં રહેતો ૨૨ વર્ષીય શૈલેષ બળવંતભાઈ પારગી ખેતીકામ કરતો હતો. ગત ૨૭મી તારીખે તે પરિવારમાં ચાંદલાની વિધિમાં ભાગ લઈ રાત્રે બાઈક પર ઘરે જતો હતો તે સમયે સંજેલી ગામની સીમમાં તેની બાઈકસ્લીપ થતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દાહોદમાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે અત્રે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર અગાઉ તેનો કોરોના ટેસ્ટ થયો હતો જેમાં તે કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં તેને કોવિડ પેશન્ટના વોર્ડમાં દાખલ કરાયો હતો અને તેના પરિવારજનો પણ અત્રે રોકાયા હતા. દરમિયાન ગઈ કાલે રાત્રે અગિયારવાગે શૈલેષનું મોત થયું હોવાની હોસ્પિટલમાંથી કોઈએ અત્રે હાજર શૈલેષના પિતરાઈભાઈ રમણભાઈ પારગીને જાણ કરી હતી.

રમણભાઈએ આ બનાવની જાણ કરતા અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે મોડી રાત્રે જ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે બળવંતભાઈએ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે મારા ભાઈનો ક્યાં છે તેની અમને કોઈ જાણ નહોંતી અને આજે સવારે લાશ કોલ્ડરૂમમાં છે તેવી ખબર પડતા અમે આજે સવારથી કફન લાવી શૈલેષના મૃતદેહ લેવા માટે કોલ્ડરૂમની બહાર રાહ જાેઈ રહ્યા છે. જાેકે હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ આવે પછી જ લાશ આપીશું તેમ કહેતા અમે સંજેલી અને રાયપુર પોલીસને જરૂરી કાર્યવાહી માટે વિનંતી કરી હતી પરંતું હોસ્પિટલ અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન ન હોઈ અમને આજે પણ મૃતદેહ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે કોવિડ પેશન્ટના મોતના બનાવમાં પોસ્ટમોર્ટમ કે પોલીસની હાજરી જરૂર નહી હોવા છતાં તંત્ર દ્વારા શૈલેષનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો નહોંતો. બીજીતરફ આજે દિવસભર કફન લઈને મૃતદેહ માટે રાહ જાેઈને થાકેલા પરિવારજનોએ સંજેલી ખાતે પહોંચીને અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાવી હતી અને હવે આવતીકાલે મૃતદેહ કદાચ સોંપાશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

જાેકે આવા બનાવમાં લાશને રેપર કરીને સંબંધીને સોંપી દેવામાં જ આવતી હોવા છતાં હોસ્પિટલ તંત્રએ શા માટે કોવિડ પેશન્ટના મૃતદેહને ગત રાતથી આજે આખો દિવસ કોલ્ડરૂમમાં રાખી મુક્યો અને મૃતકના પરિવારજનોને વિનાકારણ હાલાકીમાં મુક્યા તે હોસ્પિટલ સત્તાધીશો માટે તપાસનો વિષય છે.