વડોદરા : રવિવારે મધ્યરાત્રિ બાદ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું મોત નીપજતાં પરિવારજનોએ તબીબની બેદરકારીથી મોત થયું હોવાનું જણાવી હોબાળો મચાવ્યો હતો અને ભારે તોડફોડ કરી હતી. જેમાં ઓક્સિજનની પાઈપ તૂટી જતાં આઈસીયુમાં સારવાર માટે લેતાં ર૦ અન્ય દર્દીઓના જાન જાેખમમાં મુકાયા હતા. સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આરોપ લાગ્યો છે. બીજી તરફ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તોડફોડ, મારામારી ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને મેડિકેર સર્વિસ ઈન્સ્ટ્રકશન હેઠળ ગંભીર ગુનો નોંધ્યો છે.

શહેરના ૫ાણીગેટ જૂનીગઢીમાં રહેતાં હર્ષિદાબેન જિતેન્દ્રભાઇ સોલંકી (ઉં.વ.૩૫)ને ૩૧ માર્ચના રોજ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓનું રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદાબેનનું મોત થયું હોવાના સમાચાર મળતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ સામે નિષ્કાળજીના આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.

દાંડિયા બજાર ખાતે આવેલ સિદ્ધિ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીનું મોત નિપજતાં રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતની ટોળાએ તોડફોડ કરી હતી. ૩૦થી ૪૦ જેટલા લોકોનાં ટોળાં દ્વારા કરવામાં આવેલી તોડફોડને પગલે હોસ્પિટલના તબીબી, સ્ટાફ તેમજ હોસ્પિટલમાં કોરોનામાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ અન્ય બીમારીઓના દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે એસીપી મેઘા તેવાર પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

અમારા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ખોટા છે ઃ ડોક્ટર

વડોદરા. સિદ્ધી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાએ જણાવ્યું હતું કે ૩૧ માર્ચે ગંભીર હાલતમાં દર્દીને લાવવામાં આવ્યા હતા. તે દિવસે તેઓનું ઓક્સિજન લેવલ માત્ર ૩૫ ટકા હતું. તેઓના પરિવારને જાણ કરી આઇસીયુમાં સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને ૧ એપ્રિલે કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનો અમારી પાસે પુરાવો છે. કોરોનાની સાથે તેમને ન્યુમોનિયા પણ હતો, જેથી તેણીની તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. પ્રથમ દિવસે ડિપોઝિટ ભર્યાં બાદ અમે નાણાંની માગણી કરી ન હતી. ગઇકાલે દર્દીને રૂા.૪૦ હજારની કિંમતનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે પરિવારને પૂછ્યું હતું, પણ અમે જબરદસ્તી કરી ન હતી. અમે સારામાં સારી સારવાર આપવાનો પ્રયાસ કર્યો છે. અમારા ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તે ખોટા છે.

પોલીસે ગંભીર કલમો સાથે ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી

વડોદરા. સિદ્ધિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક ડો. જયેશ રાજપરાની રાવપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અંગે ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૪૨૭, ૫૦૬(ર), ૨૯૪(ખ), ૧૮૮, ૨૬૯, ૨૭૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ પ૧બી તથા જીપી એક્ટ, ૧૩૫ તથા પ્રિવેન્સન ઓફ વાયોલેન્સ એન્ડ ડેમેજ લોસ ઓફ પ્રોપર્ટી એક્ટ-૨૦૧૨ની કલમ ૩, ૪, ૫, ૬ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં આરોપી તરીકે હર્ષિદાબેન સોલંકીના પતિ જિતેન્દ્ર, પિતા મણિલાલ, સસરા અરવિંદભાઈ, દીયર રવિ, નરેશ, તુષાર, સાસુ સહિત પ૦ થી ૭૦ ટોળા સામે ડૉકટરને માર મારવાના હોસ્પિટલના સ્ટાફને ઈજા, ઉપરાંત રૂા.ર લાખનું નુકસાન, કરફયૂ ભંગ, તોડફોડ અંગે તપાસ હાથ ધરી છે.